જૂનાગઢમાં વન વિભાગના ત્રાસથી ઝેરી દવા પીને માલધારીએ આપઘાત કરતાં ચકચાર

જૂનાગઢ: મેંદરડા રેન્જ હેઠળ આવતા જાંબુથાળા નેસમાં વસતા એક માલધારીએ વન વિભાગના કથિત ત્રાસથી ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. આ ઘટના બાદ પોલીસે વન વિભાગના અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાનો ઇનકાર કરતા પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાની ના પાડી હતી. સલીમભાઈએ સાત દિવસ સુધી જીવન-મરણ વચ્ચે સંઘર્ષ કર્યા બાદ જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.
પરિવારજનોએ પોલીસે સામે લગાવ્યા ગંભીર આરોપ
મૃતકના પરિવારજનોએ પોલીસ સામે ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમના જણાવ્યા મુજબ, માલધારીએ સ્યુસાઇડ નોટમાં વન વિભાગના અધિકારીઓનો ઉલ્લેખ કર્યો હોવા છતાં પોલીસે કોઈ કાર્યવાહી કરી નહોતી. પોલીસ દ્વારા એફઆઈઆર નોંધવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. આ કારણે પરિવારજનોએ ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાની ના પાડી હતી.
આ પણ વાંચો: વિસાવદરમાં ગૌચરની જમીન મુદ્દે માલધારી યુવાને આત્મવિલોપનની ચીમકી આપતાં પોલીસે અટકાયત કરી
પરિવારજનોના જણાવ્યા અનુસાર, વન વિભાગના અધિકારીઓ દ્વારા માલધારીને ખોટી રીતે હેરાન કરવામાં આવતા હતા. તેઓ માલધારીને એવા આરોપો સાથે ધમકાવતા હતા કે તેઓ બહારના પશુઓને જંગલમાં ચરાવવા માટે લાવે છે. માલધારીએ પોતાની માલિકીના પશુ હોવાનું સોગંદનામું આપ્યું હોવા છતાં તેમને ખોટી નોટિસ આપીને ધમકાવવામાં આવતા હતા. આ ત્રાસથી કંટાળીને તેમણે આ પગલું ભર્યું હોવાનું પરિવારજનોએ દાવો કર્યો હતો.
કોંગ્રેસના આગેવાનો પણ પહોંચ્યા
ઘટનાને લઈ ગુજરાત કોંગ્રેસના આગેવાનો મૃતકના પરિવારજનોને મળવા પહોંચ્યા હતા. કોંગ્રેસના નેતાઓએ પીડિત પરિવાર સાથે મુલાકાત કરી તેમને સાંત્વના પાઠવી હતી અને આ કપરા સમયમાં તેમની પડખે ઊભા રહેવાની ખાતરી આપી હતી.