“યુટ્યુબ પર તમને સાંભળીને જ હું ગુજરાતી ભજન શીખી!” ગુજરાતના આ કલાકાર માટે મૈથિલી ઠાકુરે કરી વાત

જૂનાગઢ: બિહારની રહેવાસી મૈથિલી ઠાકુરની નામના આજે માત્ર બિહાર કે ભારત પૂરતી નહિ પણ દુનિયાનાં અનેક દેશોમાં છે. વિશ્વના અનેક દેશોમાં તેમણે પોતાના સૂર રેલાવ્યા છે. મૈથિલી આજે માત્ર એક કલાકાર જ નહિ પરંતુ ધારાસભ્ય પણ છે. તાજેતરમાં જ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં તે ભાજપની ટિકિટ પરથી સૌથી નાની ઉંમરના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. મૈથિલી માત્ર બિહારી લોકગીતો નહિ પરંતુ અન્ય ભાષાના ગીતો પણ એટલી સહજાતથી ગાઈ જાણે છે.

ગુજરાતી ગીતોમાં પણ મૈથિલીની પકડ આશ્ચર્ય પમાડે તેવી છે. મૈથિલીના સોશિયલ મીડિયા પર તેણે ગાયેલા ગુજરાતી ભજનો કે ગીતોની વાત કરીએ તો કાનુડો કાળો કાળો, દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે, સતી સીતાજી રથમાં બેઠા, કાનુડો વ્રજમાં વેલો આવ, મોરલી વેરણ થઈ, કેસરીયો રંગ તને લાગ્યો, નયનને બંધ રાખીને, મોર બની થનગાટ કરે, હે કરુણાના કરનારા, નાગર નંદજીના લાલ સહિતના અનેક ગુજરાતી ગીતો અને ભજનો તેમણે ગાયા છે.
કોઈ બીજા પ્રાંતના હોવા છતાં પણ એક ગુજરાતી જેટલી જ સહજતાથી ગાવું તે ધારીએ તેટલું સહેલું નથી જ. પણ મૈથિલીએ આ ગુજરાતી ભનો શીખ્યા કઇ રીતે? તો તેનો જવાબ ખુદ મૈથિલીએ જ આપ્યો હતો. હાલ જૂનાગઢમાં ચાલી મહાશિવરાત્રિના મેળામાં મૈથિલીએ પોતાના સૂર રેલાવ્યા હતા. આ દરમિયાન તે ગુજરાતના ખૂબ મોટા ભજનિક સાથે સ્ટેજ પર જોવા મળ્યા હતા. આ દરમિયાન મૈથિલીએ જેમના વિશે વાત કરી હતી નીરંજન પંડયા. જૂનાગઢમાં મૈથિલી અને નીરંજન પંડયા એક સ્ટેજ પર જુગલબંધી કરતાં જોવા મળ્યા હતા.

બિહારની ખ્યાત લોકગાયિક મૈથિલી ઠાકુરે સ્ટેજ પરથી રાજકોટ જિલ્લાના જેતપુરના વતની અને ભજનના ક્ષેત્રમાં ખૂબ મોટું નામ ભજનિક નીરંજન પંડયા વિશે વાત કરી હતી. જૂનાગઢ ખાતે એક સ્ટેજ પર બેસીને તેમણે કહ્યું કે અત્યારસુધી યુટ્યુબમાં તેમના (નીરંજન પંડયાના) ભજનો સાંભળ્યા હતા, આજે પહેલી વાર તેમને રૂબરૂ મળીને આનંદિત છું. મોબાઈલથી બહારની એક અનોખી જ દુનિયા લાગી રહી છે. તેમના ભજનો સાંભળીને જ ગુજરાતી ભજનો શીખી છું. આજે તેમની સામે તેમનું જ ભજન ગાઈશ. મૈથિલીએ નીરંજન પંડયાનું ખ્યાત ભજન ‘સતી સીતાજી રથમાં બેઠા” ગાયું હતું. આજે આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.



