જૂનાગઢ

ગિરનારી લ્હાવો: ભવનાથની તળેટીમાં શ્રદ્ધાનું ઘોડાપૂર, સાધુ-સંતોના સંગાથે મેળો બન્યો ભવ્યાતિભવ્ય!

જૂનાગઢ: જૂનાગઢમાં મહાશિવરાત્રિના મેળાની ભવ્ય શરૂઆત થઈ ચૂકી છે. હજારો શ્રદ્ધાળુઓ આ પાવન પર્વમાં સહભાગી થવા માટે સિદ્ધભૂમિ ગિરનાર પહોંચી રહ્યા છે.

આજે મહાશિવરાત્રિ મેળાના બીજા દિવસે માત્ર સૌરાષ્ટ્રમાંથી નહિ પરંતુ દેશ-વિદેશમાંથી આવેલા સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓના કારણે ભવનાથ તળેટી ‘શિવમય’ બની ગઈ હતી. ભવનાથમાં સાધુ-સંતોનો મેળાવડો જામ્યો છે, શ્રદ્ધાળુઓ અઘોરી, નાગા સાધુઓના આશીર્વાદ લઈ રહ્યા છે.

આ વર્ષે રાજ્ય સરકારના સહયોગથી મહાશિવરાત્રીના મેળામાં પધારતા ભાવિકો તેમની સાથે વિશેષ સ્મૃતિઓ લઈ જઈ શકે તે માટે સમગ્ર મેળાના રૂટ ઉપર આકર્ષક સેલ્ફી પોઇન્ટ તૈયાર કરવાની સાથે વિશેષ સુશોભનો કરવામાં આવ્યો છે. ચાલો માણીએ મેળાની તસવીરી સફર.

મહાકુંભ સમાન મહાશિવરાત્રીના મેળામાં આજે રાજસ્થાનથી એક શ્રદ્ધાળુઓનો સમૂહ પહોંચ્યો હતો. તેમણે મહાશિવરાત્રીના મેળામાં સહભાગી થવાને સૌભાગ્ય ગણાવી વહીવટી તંત્રની વ્યવસ્થાઓની ખુલ્લા મને પ્રશંસા કરી હતી. આ વર્ષે મહા શિવરાત્રીના મેળામાં વાહનો માટે પ્રવેશબંધી હોવાથી વાહનો તળેટી સુધી પહોંચી શકતા નથી.

પરંતુ આ દરમિયાન દિવ્યાંગ અને વૃદ્ધજનો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. તમામ 50 વાહનોનો ઉપયોગ કરી દિવ્યાંગ અને વૃદ્ધજનોને ભવનાથ મહાદેવના દર્શન કરાવવામાં આવી હતી.

દેને કો ટુકડા ભલા, લેને કો હરિનામ

સૌરાષ્ટ્ર એ સંતોની ભુમિ છે. અહી ભજનની સાથે ભોજનની પરંપરા રહી છે. સૌરાષ્ટ્રની અનેક જગ્યાઓ આજે પણ તેના હરિહરના નાદ માટે ખ્યાત છે. હાલ જૂનાગઢમાં ગિરનાર તળેટીમાં ભગવાન ભવનાથના સાંનિધ્યમાં ચાલી રહેલા મહાશિવરાત્રિના મેળામાં ઠેરઠેર અન્નક્ષેત્રોની સેવા ચાલી રહી છે.

રાતદિવસ થાક્યા વિના સૌરાષ્ટ્રવાસીઓ મેળામાં આવનારા માનવોની જઠરાગ્નિ ઠારીને માનવસેવાથી પ્રભુસેવાનો અનેરો લ્હાવો લઈ રહ્યા છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button