જૂનાગઢના કેશોદમાં પ્રેમલગ્નના 15 દિવસમાં જ વકીલે આપઘાત કરતાં ચકચાર...

જૂનાગઢના કેશોદમાં પ્રેમલગ્નના 15 દિવસમાં જ વકીલે આપઘાત કરતાં ચકચાર…

સાસરીયાના ટોર્ચરથી પગલું ભર્યું હોવાનો મૃતકના પિતાએ આરોપ લગાવ્યો

જૂનાગઢઃ જિલ્લાના કેશોદ શહેરમાં પ્રેમલગ્નના માત્ર 15 દિવસમાં જ એક યુવાન વકીલે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. આ ઘટનાથી પરિવારજનો અને સ્થાનિક લોકોમાં શોક વ્યાપી ગયો હતો. કેશોદના વતની અને વ્યવસાયે વકીલ એવા યુવાને તાજેતરમાં જ પ્રેમલગ્ન કર્યા હતા. લગ્નના માત્ર 15 દિવસના ટૂંકા ગાળામાં તેણે આવું પગલું ભરતા પરિવારજનો પણ સ્તબ્ધ થઈ ગયા હતા.

શું છે મામલો
મળતી વિગત પ્રમાણે વકીલ દિવ્યેશકુમારે 15 દિવસ અગાઉ જ તેમણે પ્રેમલગ્ન કર્યા હતા, પરંતુ છૂટાછેડાની વાતો ચાલુ હોવાથી તેઓને લાગી આવ્યું હતું. જેથી ઝેર ગટગટાવી આત્મહત્યા કરી લીધી હતી. યુવકે એક સ્યુસાઈડ પણ લખી હતી, જેમાં તેણે કોઈને પણ જવાબદાર ઠેરવ્યા નથી. જોકે, સાસરીયાના ટોર્ચરથી પુત્રએ આ પગલું ભર્યું હોવાનો પિતાએ આક્ષેપ કર્યો હતો.

લગ્ન બાદ ફરવા ગયા હતા
દિવ્યેશકુમારે 15 દિવસ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન પછી દંપતી બહાર ફરવા ગયા હતા. જે બાદ ઘરે આવ્યા હતા અને પત્ની તેના પિયરમાં જતી રહી હતી. ત્યારબાદ પત્નીના માતા-પિતા તેના ઘરે રોકી રાખતા હતાં અને કેશોદમાં પતિ પાસે આવવા દેતા ન હતા. પોલીસે મૃતક પાસેથી સ્યુસાઈડ નોટ કબજે કરી હતી. જેમાં યુવકે લખ્યું કે, હું મારી મરજીથી આત્મહત્યા કરું છું. મારા પરિવારજનો, પત્ની, સગા સંબંધીઓ કે મિત્રો કોઈ પણ સામે કાયદેસર કાર્યવાહી ન કરશો. મારા આપઘાત પાછળ કોઈ કારણ કે દબાણ નથી. આ મારો વ્યક્તિત્વ આધારિત નિર્ણય છે. આત્મહત્યા પાછળ કોઈ જવાબદાર નથી, પોતાના મૃત્યુ અંગે કોઈ સામે કાયદેસર કાર્યવાહી ન કરવા જણાવ્યું.

મૃતકના પિતાએ શું કહ્યું?
મૃતકના પિતા વિષ્ણુદાસે જણાવ્યું કે, મારો દીકરો અને તેની પત્ની ખુબ ખુશ હતા. પત્ની પોતાના પિયરમાં ગઈ પછી તેના માતા-પિતા તેને પાછા આવવા દેતા ન હતા. તેઓ મારા દીકરાને ટોર્ચર કરતા હતા, જે સહન ન કરી શકતાં આત્મહત્યાનું પગલું ભર્યું હતું.

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button