લીલી પરિક્રમાને લઈ એસટી 250 એક્સ્ટ્રા બસ દોડાવશેઃ પ્લાસ્ટિક મુક્ત પરિક્રમાનું આહ્વાન

જુનાગઢઃ 2 નવેમ્બરથી ગિરનારની લીલી પરિક્રમા શરૂ થશે. જેને લઈ જૂનાગઢ કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં36 કિલોમીટરના પરિક્રમા રૂટ પર પોલીસ, ફોરેસ્ટ, પીજીવીસીએલ, પાણી પુરવઠા અને આરોગ્ય વિભાગ સહિતના વિવિધ વિભાગોને 24 કલાક ફરજ પર રહેવા સૂચના આપવામાં આવી હતી.
ઉપરાંત પ્લાસ્ટિક મુક્ત પરિક્રમાનું પણ આહ્વાન કરાયું હતું. લીલી પરિક્રમાને લઈ એસટી ની 250 બસ એકસ્ટ્રા મુકવામાં આવશે. એસટી બસ સ્ટેન્ડ થી ભવનાથ સુધી 60 મીની બસ મુકાશે.
આપણ વાચો: ગીરનારની લીલી પરિક્રમાની તૈયારીઓ માટે જૂનાગઢ કલેક્ટરે યોજી બેઠક, આ બાબતે આપી સૂચનાઓ
શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડવી જોઈએ
કલેક્ટરના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય રૂટ નિરીક્ષણ દરમિયાન ધ્યાનમાં આવેલા મુદ્દાઓનું નિરાકરણ લાવવાનો અને યાત્રિકોને પરિક્રમા દરમિયાન કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે સુનિશ્ચિત કરવાનો હતો. સંબંધિત વિભાગો દ્વારા પૂરી પાડવામાં આવનારી વિવિધ સુવિધાઓની તૈયારીઓની વિગતો જાણીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
દોઢ મહિનાથી તંત્ર કરી રહ્યું છે તૈયારી
કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું કે, ટીમ વર્ક દ્વારા પરિક્રમા દરમિયાન નિર્ધારિત કામગીરી થાય અને તમામ વિભાગો વચ્ચે સુચારુ સંકલન જળવાઈ રહે તે અત્યંત આવશ્યક છે. લાખો શ્રદ્ધાળુ ભાવિકોની સગવડતા અને સલામતી માટે વહીવટી તંત્ર છેલ્લા દોઢ મહિનાથી સઘન તૈયારીઓ કરી રહ્યું છે.
જેમાં પરિક્રમા રૂટ અને રસ્તાઓની મરામત, શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા અને આરોગ્ય સેવાઓને સર્વોચ્ચ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. પરિક્રમાના સમગ્ર સમયગાળા દરમિયાન આ આવશ્યક વ્યવસ્થાઓ અવિરતપણે જળવાઈ રહે તે માટે સમગ્ર ટીમ પ્રતિબદ્ધતાથી કાર્ય કરશે.
યાત્રિકોની સુરક્ષા, સલામતી અને તાત્કાલિક સારવાર સુનિશ્ચિત કરવા માટે આ વર્ષે પ્રથમ વખત એક અનોખું આયોજન કરાયું છે. પોલીસ, વન વિભાગ, આરોગ્ય, પાણી પુરવઠા અને પીજીવીસીએલના કર્મચારીઓ પોલીસ અને વન વિભાગની રાવટીઓમાં સંયુક્તપણે હાજર રહેશે.
પોલીસ વિભાગ દ્વારા આ તમામ કર્મચારીઓની ઓનલાઇન એન્ટ્રી કરવામાં આવશે, અને સંબંધિત વિભાગો તેમના ડ્યુટી શેડ્યુલ અને યાદી પોલીસ વિભાગને સુપરત કરશે. આ વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈપણ કટોકટીની સ્થિતિમાં યાત્રિકોને ત્વરિત અને અસરકારક સહાય પૂરી પાડવાનો છે.
એસ.ટી. નિગમ દ્વારા પરિક્રમા માટે 250 વધારાની બસો તૈનાત કરવામાં આવશે, જ્યારે જૂનાગઢ બસ સ્ટેશનથી ભવનાથ સુધી 60 મીની બસો દોડાવવામાં આવશે તેમ એસ.ટી.ના ડિવિઝનલ કંટ્રોલરે જણાવ્યું હતું.



