દીપડાને જૂનાગઢની આ સોસાયટી એવી ગમી ગઈ છે કે 20 દિવસથી જતો જ નથી…

અમદાવાદઃ ગીરનાર જંગલ પાસે આવેલા જૂનાગઢમાં પણ હવે વન્ય પ્રાણીઓની લટારો વધી ગઈ છે. અહીંની એક સોસાયટીમાં દીપડાનો આતંક ફેલાયો છે અને સોસાયટીના લોકો ચેલ્લા વીસેક દિવસથી ભયના ઓથાર નીચે જીવી રહ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.
અહીં મંગલધામ સોસાયટીમાં એક દીપડો વારંવાર આવી ચડે છે. શિકારની શોધમાં વન્ય પ્રાણીઓ ઘણીવાર રહેણાંક વિસ્તારોમાં આવી ચડે છે. અહીં રહેતા લોકો માટે જીવનું જોખમ ઊભું થાય છે. જંગલ નજીક રહેતા લોકો પોતાના રોજિંદા કામકાજે જઈ શક્તા નથી. બાળકો માટે સ્કૂલે જવાનું પણ અઘરું બની જાય છે.
થોડા દિવસો પહેલા દીપડો સોસાયટીમાં આવ્યો હતો અને એક ગલુડીયાને મારી જતો રહ્યો હતો. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. ફરી શુક્રવારે દીપડો સીસીટીવીમાં દેખાયો હતો, આથી સોસાયટીના લોકો ફરી ભય અનુભવી રહ્યા છે.
રહેવાસીઓએ આની જાણ વન વિભાગને કરી હતી.
વન વિભાગે અહીં પાંજરુ મૂક્યું છે, પરંતુ લોકોનું કહેવાનું છે કે પાંજરુ એવી જગ્યાએ છે જ્યાં દીપડો કે અન્ય કોઈ પ્રાણી આવશે નહીં. દીપડો દીવાલ કૂદીને આવી જાય છે. રહેવાસીઓ વન વિભાગ પાસેથી અપેક્ષા રાખી રહ્યા છે કે તેઓ વહેલી તકે દીપડો પાંજરામાં પૂરે અને સોસાયટીના લોકો શાંતિથી રહી શકે.



