Top Newsજૂનાગઢ

ગુજરાતના કયા ધારાસભ્યએ સરકારી કચેરીઓ રાત્રે ખુલ્લી રાખવાની માંગ કરી ? CMને પત્ર લખી શું કહ્યું, જાણો

જૂનાગઢઃ વિસાવદરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ મુખ્ય પ્રધાનને પત્ર લખ્યો છે. જેમાં તેમણે લખ્યું છે કે, જો પોલીસ સ્ટેશન અને ટોલનાકા જેવી વ્યવસ્થાઓ રાત-દિવસ ચાલુ રહી શકતી હોય, તો જનતાના હિત માટે વહીવટી કચેરીઓ રાત્રે 9 વાગ્યા સુધી કેમ ચાલુ ન રાખી શકાય? રાજ્યમાં મામલતદાર, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત જેવી જનતા સાથે સીધી જોડાયેલી કચેરીઓનો સમય બદલીને ‘બપોરના 2થી રાત્રિના 9 વાગ્યા’ સુધીનો કરવાથી ઘણા લોકોને લાભ થઈ શકે તેમ છે.

ઈટાલિયાએ તેના પત્રમાં લખ્યું છે કે, હાલમાં સરકારી કચેરીનો સમય સવારના 10 થી સાંજના 6 વાગ્યા સુધીનો છે. આ સમયગાળા દરમિયાન સામાન્ય લોકો તેમની નોકરી, મજૂરી અને ખેડૂતો ખેતીકામમાં વ્યસ્ત હોય છે.

સરકારી કામકાજ માટે તેમણે કામમાંથી રજા રાખવી પડે છે. ક્યારેક એક દિવસમાં કામ થતું નથી હોતું, તેથી બીજા દિવસે પણ રજા રાખવી પડે છે, જેના કારણે આર્થિક નુકસાન વેઠવું પડે છે. જો કચેરીએ રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લી રહે તો લોકો કામ પતાવીને સરકારી કામ કરી શકે છે.

ગોપાલ ઈટાલિયાએ જીઈબી, પીજીવીસીએલ, મામલતદાર અને પ્રાંત કચેરી, તાલુકા અને ગ્રામ પંચાયત ઓફિસ, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ઝોન ઓફિસો બપોરે 2 થી રાત્રિના 9 વાગ્યા સુધી ખુલ્લી રાખવા માંગ કરી હતી.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button