જૂનાગઢમાં જીવંત છે બેઠા ગરબાની પરંપરાઃ પ્રાચીન ગરબા તન સાથે મનને પણ કરે છે પ્રફુલ્લિત | મુંબઈ સમાચાર
આમચી મુંબઈજૂનાગઢ

જૂનાગઢમાં જીવંત છે બેઠા ગરબાની પરંપરાઃ પ્રાચીન ગરબા તન સાથે મનને પણ કરે છે પ્રફુલ્લિત

જૂનાગઢઃ એક સિનિયર સિટિઝન સાથે મિડલ એજગ્રુપના લોકોનો વર્ગ છે જેમને આજના પાર્ટીપ્લોટના ગરબા લગીરે ગમતા નથી. નવરાત્રીનું થયેલું વ્યાપારીકરણ કે આધુનીકરણ તેમને માફક આવતું નથી.આનું કારણ એ છે કે આ પેઢીએ વર્ષોથી માના ગરબા જ ગાયા છે, નવ દિવસ માની ભક્તિ કરી છે અને પરંપરાને સાચવી રાખી છે.

આજના સમયમાં ઝાકમઝોળ સાથે ડીજે સાઉન્ડ સિસ્ટમ અને ભવ્ય સ્ટેજ સાથે જે ગરબા લેવાય છે, તે શરીરને ચોક્કસ થિરકાવતા હશે, પણ જો તમે પહેલાના લોકોના ગરબા સાંભળશો, તેમના સંગીતને માણશો તો તમારા તન સાથે મન પણ આનંદમાં આવશે અને આધ્યાત્મિક વાતાવરણમાં તમે પણ મગ્ન થઈ જશો. આવા જ ગરબાનો એક પ્રકાર છે બેઠા ગરબા. બેઠા ગરબાની વાત આવે ત્યારે ભક્તકવિ નરસૈયાની નાગરી નાત યાદ આવ્યા વિના રહે નહીં. એ નરસિંહ મહેતાના જૂનાગઢમાં જ રહેતા નાગરો 70 વર્ષથી બેઠા ગરબાની પરંપરા જાળવીને બેઠા છે, આજે આપણે તેમના વિશે જ વાત કરવાની છે.

આ પણ વાંચો : નવરાત્રિ 2025: અમદાવાદમાં ગરબા આયોજન માટે 84માંથી 29 અરજીને મંજૂરી

70 વર્ષથી ચાલે છે અહીં બેઠા ગરબા

જૂનાગઢનો વિસ્તાર છે જૂના નાગરવાડા અને અહીં રહે છે પથુભાઈ વૈદ્ય. અહીં તેમનું ઘર છે નાગરોના બેઠા ગરબા માણવાનું સરનામું. અહીં નાગરો એકત્ર થાય છે અને ગાય છે મસ્ત મજાના ગરબા. ડીજે તો છોડો અહીં વાજિંત્રો પણ ઓછા હોય છે. અહીં હોય છે એક ઢોલક, ઝાંઝ અને ટીંટીણીયું. બસ મસ્ત મજાના ગરબા તાલીઓના તાલે બેઠા બેઠા ગવાય છે.
આ સ્થળે ચાર પેઢીથી લોકો ભાવપૂર્વક આ ગરબામાં ભાગ લે છે. ખાસ કરીને નવરાત્રિના ચાર દિવસ અને દર મહિને આવતી બંને ચૌદશના દિવસે રાત્રે 9 થી 11 વાગ્યા સુધી ગરબા ગવાય છે. આ ગરબા બેસીને ગવાય છે, તેથી તેમને બેઠા ગરબા કહેવામાં આવે છે. મોટાભાગના ગરબા અતિ પ્રાચીન હોય છે અને જાણીતા ગુજરાતી કવિઓ દ્વારા લખાયેલા હોય છે.

આ પણ વાંચો : વડોદરામાં ગરબા ગ્રાઉન્ડમાં સાપ નીકળતા ખેલૈયાઓમાં મચી નાસભાગ

મુંબઈમાં 51 વર્ષથી ગવાય છે બેઠા ગરબા

મુંબઈમાં વિલેપાર્લેમાં નાગર ભગિની મંડળ દ્વારા 51 વર્ષથી બેઠા ગરબાનું આયોજન થાય છે.
જૂનીથી માંડી નવી પેઢીની 20-25 મહિલાઓ એક ઘરમાં ભેગી થઈ બે કલાક માટે નવા નવા ગરબા તાળીઓના તાલે ગાય છે. લોકવાયકા એવી છે કે નવાબીકાળ દરમિયાન મહિલાઓ ઘર બહાર નીકળી ગરબા રમી શકતી ન હતી એટલે ભક્તિભાવ કરવા તેમણે ઘરે જ બેઠા બેઠા ગરબા ગાવાનું શરૂ કર્યું અને ત્યારથી આ પરંપરા શરૂ થઈ. માત્ર જૂનાગઢ જ નહીં, સૌરાષ્ટ્રના ઘણા શહેરો અને ગુજરાતભરમાં નાગરીનાતે આ પરંપરા સાચવી રાખી છે.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button