કેશોદ એરપોર્ટ પર મોટા વિમાનો ઉતરી શકશેઃ રનવે 2500 મીટર સુધી લંબાવવામાં આવશે…

જૂનાગઢઃ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એબી-320 પ્રકારના મોટા વિમાનોના સંચાલનને સરળ બનાવવા માટે ગુજરાતના કેશોદ એરપોર્ટના રનવેને 2500 મીટર સુધી લંબાવવાનું કામ હાથ ધર્યું છે. જે અંતર્ગત અંદાજિત રૂ. 364 કરોડના ખર્ચે કેશોદ એરપોર્ટનો પણ વિકાસ થશે.
આ માહિતી કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્ય પ્રધાન મુરલીધર મોહોલે રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણી દ્વારા કેશોદ એરપોર્ટના વિસ્તરણ યોજનાઓ પર પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં આપી હતી.
કેટલો થશે ખર્ચ
પ્રધાનના નિવેદન મુજબ, રનવે વિસ્તરણ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ. 190.56 કરોડનો છે અને પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટેની સમયમર્યાદા 18 મહિના નક્કી કરવામાં આવી છે અને પૂર્ણ થવાની અંદાજિત તારીખ જાન્યુઆરી 2027 છે. જ્યારે રૂ. 364 કરોડના અંદાજિત ખર્ચે કેશોદ એરપોર્ટના વિકાસનું કામ થવાનું છે.
જેમાં રૂ. 142.17 કરોડના ખર્ચે નવા ટર્મિનલ બિલ્ડિંગનું નિર્માણ થશે. જે 6.500 ચોરસ મીટરમાં બનશે. આ નવું ટર્મિનલ બિલ્ડિંગ એક સાથે 400 મુસાફરોના આગમન અને 400 મુસાફરોના નિર્ગમનની સુવિધા સાચવી શકે તે રીતે તૈયાર કરવામાં આવશે.
નવા ટર્મિનલ બિલ્ડિંગના નિર્માણ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે અને પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટેની સમયમર્યાદા વર્ક ઓર્ડર આપવાની તારીખથી 15 મહિનાની છે. બંને પ્રોજેક્ટ માટે પૂર્ણ થવાની સમયમર્યાદા જમીન સંપાદન, ફરજિયાત મંજૂરીઓની ઉપલબ્ધતા, ફાઇનાન્સિઅલ ક્લોઝર વગેરે જેવા ઘણાં પરિબળો પર આધાર રાખે છે.
આ એરપોર્ટ મૂળ રૂપે જૂનાગઢના નવાબ મહાબતખાન ત્રીજા દ્વારા તેમના અંગત ઉપયોગ માટે બનાવવામાં આવ્યું હતું. આ એરપોર્ટના અપગ્રેડેશનથી ગીર નેશનલ પાર્ક અને સોમનાથ મંદિર જેવા પર્યટન સ્થળોની મુલાકાત લેવા આવતા મુસાફરો માટે ઘણી સગવડ ઊભી થશે.
આ પણ વાંચો…રાજકોટના એરપોર્ટ પર કાર્ગો સેવાને મંજૂરી આપતા 10,000થી વધુ વેપારીઓને ફાયદો થશે