કામનું બિલ પાસ કરાવવા 1.43 લાખની લાંચ: ચોરવાડનો જુનિયર ઇજનેર ACBના સકંજામાં!

જૂનાગઢ: ભ્રષ્ટ અધિકારીઓ સામે એન્ટી કરપ્શન બ્યુરોએ પોતાની કાર્યવાહી તેજ કરી છે. જુનાગઢના ચોરવાડમાં કામનું બિલ પાસ કરાવવા 1.43 લાખની લાંચ માંગનારા લાંચિયા જુનિયર ઇજનેરને એન્ટી કરપ્શન બ્યુરોએ રંગે હાથ ઝડપી લીધો હતો. જૂનાગઢ જિલ્લાના ચોરવાડ નગરપાલિકા કચેરીમાં ફરજ બજાવતા જુનિયર ઇજનેર રાજેશકુમાર ખીમજીભાઈ સેવરાને આજે 26 મે 2025ના રોજ લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યા હતા. એક જાગૃત નાગરિકની ફરિયાદને આધારે ACBએ સફળ ટ્રેપ ગોઠવી હતી.
શું હતો મામલો?
ફરિયાદીએ વર્ષ 2022માં વોર્ડ નં-2માં પેવર બ્લોકનું કામ કર્યું હતું અને તેનું બિલ પણ પાસ થઈ ગયું હતું. આ બિલનો ચેક આપવા માટે આરોપી રાજેશકુમાર સેવરાએ બિલની કુલ રકમના 15% લેખે રૂ. 1,46,000ની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચની આ રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે ગીર સોમનાથ ACB પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો.
આ પણ વાંચો: 7 વર્ષ જૂના લાંચ કેસમાં VMC ના નાયબ કાર્યપાલક ઇજનેર વિરુદ્ધ ACB એ ગુનો દાખલ કર્યો; આ રીતે મળ્યા પુરાવા…
ACBની કાર્યવાહી
ફરિયાદીની ફરિયાદના આધારે ગીર સોમનાથ ACB પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર. ગઢવી દ્વારા લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. પંચોની હાજરીમાં ચોરવાડ નગરપાલિકા કચેરી ખાતે આરોપી રાજેશકુમાર સેવરાએ ફરિયાદી પાસેથી રૂ. 1,43,000ની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. ACB દ્વારા લાંચની આ રકમ સ્થળ પરથી જ રિકવર કરી લેવામાં આવી છે.