
જુનાગઢ: દિવાળી અને દેવ દિવાળી બાદ નવેમ્બર માસમાં દિવાળી જેવો માહોલ છે. સરદાર પટેલ દરવાજા, બહાઉદ્દિન આર્ટ્સ કોલેજ સહિત શહેરના મુખ્ય માર્ગોને રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યા છે. પણ તેનું કારણ છે સ્વતંત્રતા દિવસ. ભલે આખો દેશ 15મી ઓગષ્ટના રોજ સ્વતંત્રતા દિવસ મનાવે પરંતુ જૂનાગઢ આઝાદ થયું હતું દેશની આઝાદીના અઢી મહિના બાદ. માટે નવાબનું પાકિસ્તાન સાથેનું જોડાણ, આરઝી હકૂમતે આપેલી લડત એને પાકિસ્તાનની મેલી મુરાદ પર ફરેલા પાણીની છે. આજે રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ જૂનાગઢની મુલાકાત લઈને 86-જૂનાગઢ વિધાનસભા બેઠકથી ‘યુનિટી માર્ચ પદયાત્રા’નો પ્રારંભ કરાવશે.
15મી ઓગષ્ટના રોજ દેશ પોતાનો 78મો સ્વાતંત્ર્ય પર્વ માનવી રહ્યું હતું ત્યારે ગુજરાતનો એક મોટો ભાગ એવો હતો કે જે મુંજવણમાં હતો કે તેઓ ભારતના નાગરિકો બનશે કે પાકિસ્તાનના. આ મૂંઝવણનો સામનો કરી રહેલ પ્રદેશ હતો સૌરાષ્ટ્રનું જૂનાગઢ. કારણ કે જૂનાગઢના છેલ્લા નવાબ મહાબત ખાન ત્રીજાએ જૂનાગઢનું ભારત સાથેનું જોડાણ પાકિસ્તાન સાથે કર્યું હતું.

સૌરાષ્ટ્રના જુનાગઢમાં આઝાદી સમયે બાબી વંશનું શાસન હતું અને બાબી વંશના રાજવી મહાબત ખાન ત્રીજા ગાદી પર હતા. પરંતુ નવાબના દિવાન સર શાહનવાઝ ભૂટ્ટોની ગેરદોરવણીમાં આવીને નવાબે પાકિસ્તાન સાથે જોડાણ કરવાની જાહેરાત કરી હતી. બહુમતી પ્રજા હિંદુ હોવા છતાં મોહમ્મદ અલી જિનહાએ પોતાની મેલી મુરાદ સંતોષવા માટે આ જોડાણને માન્યતા પણ આપી હતી. આથી 15 મી ઓગષ્ટ 1947 ના રોજ ભારત આઝાદ થયું તેની સાથે સૌરાષ્ટ્રના તમામ દેશી રાજ્યો ભારત સંઘમાં ભળી ગયા હોવાથી તેઓ આઝાદ થયા હતા પરંતુ જૂનાગઢ હજુ પણ નહિ ગુલામ નહિ આઝાદ જેવી અસમંજસ ભરી સ્થિતીમાં હતું.

જુનાગઢ અને એની ઉપરાંત તેની આજુબાજુના ત્રણ મુસ્લિમ રજવાડા એટલે કે, માંગરોળ, સરદારગઢ, માણાવદર અને બાટવા પણ મુસ્લિમ શાસન હેઠળના નાના મોટા રજવાડા હતા. શરૂઆતમાં માંગરોળના શેખે પાકિસ્તાન નહીં પરંતુ હિન્દુસ્તાનમાં ભળી જવા જાહેરાત કરેલી પરંતુ પાછળથી કોઈ કારણસર માણાવદર બાટવા સરદારગઢ અને માંગરોળ પણ જૂનાગઢ નવાબની સાથે પાકિસ્તાનમાં ભળે છે. પરતું સાવ નાનું એવું નગર પાજોદ કે તેણે હિન્દુસ્તાનમાં ભળવાની જાહેરાત કરી.
આમ 1947 ની 15મી ઓગષ્ટના દેશ આઝાદ થયો અને અંગ્રેજોના શાસનમાંથી મુક્ત થયો હતો પરંતુ બીજી બાજુ નવાબ અને ભુટ્ટોના પાકિસ્તાન પ્રેમના લીધે જુનાગઢનું કોકડું ગૂંચવાયું હતું. આ વિવાદના દીવાન ભુટ્ટોએ કોઈપણ પ્રતિનધિને નવાબ સાથે મળવા નહિ દેવામાં આવ્યા નહિ. કોઈપણ સંજોગોમાં શક્ય ન હોવા છતાં જુનાગઢનું પાકિસ્તાન સાથે જોડાણ યથાવત રાખવાની જીદના લીધે મુંબઈથી જુનાગઢની આઝાદી માટેની ચળવળ શરૂ કરવામાં આવી જે હતી “આરઝી હકુમત”.
દેશવિદેશમાં વસતા ગુજરાતીઓ, સૌરાષ્ટ્રનાં દેશી રાજ્યો, કાઠિયાવાડ રાજકીય પરિષદ, અખિલ હિંદ દેશી રાજ્ય પ્રજામંડળ, ઇન્ડિયન હિસ્ટરી કૉંગ્રેસના તત્કાલીન પ્રમુખ પ્રો. મહંમદ હબીબ, કચ્છ-કાઠિયાવાડ મુસ્લિમ લીગ, મુંબઈ રાષ્ટ્રવાદી મુસ્લિમ મહામંડળ વગેરેએ જૂનાગઢના પાકિસ્તાન સાથેના જોડાણને વખોડી કાઢ્યું. ભારત સરકારે પણ આ પ્રશ્ન અંગે ખૂબ જ સાવચેતી રાખી. સૌપ્રથમ પાકિસ્તાન સાથેના તેના જોડાણને અમાન્ય કરી ત્યાં લોકમત લેવા કહ્યું હતું પરંતુ પાકિસ્તાનનું વલણ અકળ હતું.

આવી સ્ફોટક પરિસ્થિતિમાં કાઠિયાવાડ અને મુંબઈના કૉંગ્રેસી કાર્યકરો અને આગેવાનોએ ગંભીર વિચારણા કરીને સુભાષચંદ્ર બોઝની ‘આઝાદ હિંદ સરકાર’માંથી પ્રેરણા લઈ તથા સરદાર વલ્લભભાઈ પટેલના છૂપા આશીર્વાદ મેળવી મુંબઈમાં 25 સપ્ટેમ્બર, 1947 ના રોજ જૂનાગઢની ‘આરઝી હકૂમત’ નામની સમાંતર સરકાર સ્થાપી, તેને જૂનાગઢની સાચી સરકાર જાહેર કરવામાં આવી. આ સરકારનો અને જૂનાગઢની પ્રજાની આઝાદીના જાહેરનામાનો મુસદ્દો કનૈયાલાલ મુનશીએ ઘડ્યો હતો.
આરઝી હકૂમતને સંપૂર્ણ બંધારણીય સ્વરૂપ આપવાના હેતુથી તેમાં માત્ર જૂનાગઢ રાજ્યના લોકોને જ લેવાના હતા. આ સરકારના શામળદાસ ગાંધીને નીમવામાં આવ્યા હતા. તેના પ્રધાનમંડળના અન્ય સભ્યો હતા ભવાનીશંકર ઓઝા, દુર્લભજી ખેતાણી, મણિલાલ દોશી, નરેન્દ્ર નથવાણી અને સુરગભાઈ વરુ. પછીથી પુષ્પાબહેન મહેતાને પણ પ્રધાનમંડળમાં લેવાયાં હતાં. આરઝી હકૂમતનું પ્રધાનમંડળ તેની સ્થાપના પછીના ત્રીજા દિવસે મુંબઈથી રાજકોટ આવ્યું અને તુરત બે દિવસ બાદ રાજકોટમાંનું ‘જૂનાગઢ હાઉસ’ કબજે કરી રાજકોટમાં પોતાનું સચિવાલય પણ સ્થાપ્યું. ત્યારબાદ તેણે જૂનાગઢના આર્થિક બહિષ્કારના કાર્યક્રમને અસરકારક બનાવવા ખૂબ જહેમત લીધી હતી.

લશ્કરી ક્ષેત્રે આરઝી હકૂમતે ‘લોકસેના’ની રચના કરી હતી. તેમાં પગારદાર તરીકે દાખલ થયેલા ગુરખા અને શીખ સૈનિકો, આઝાદ હિંદ ફોજ તથા કેન્દ્રીય અનામત પોલીસ દળમાંથી નિવૃત્ત થયેલા સૈનિકો, સૌરાષ્ટ્રનાં કેટલાંક દેશી રાજ્યોમાંથી સ્વેચ્છાએ દાખલ થયેલા સૈનિકો, સશસ્ત્ર તાલીમ પામેલા સ્વયંસેવકો તથા મેર, હાટી, કારડિયા જેવી લડાયક જાતિઓના લોકો મળી કુલ ચાર હજાર સૈનિકો હતા. લોકસેનાના સરસેનાપતિ તરીકે રતુભાઈ અદાણી અને શસ્ત્રનિયામક તરીકે વાસાવડના દરબાર માર્કંડભાઈ દેસાઈ હતા. જૂનાગઢ રાજ્યની મેર જેવી લડાયક કોમના સંગઠક તરીકેનું કાર્ય ગોકુળદાસ ગગલાણી કરતા હતા.
24 ઑક્ટોબર, 1947ના દશેરાના દિવસે લોકસેનાએ જૂનાગઢ રાજ્ય ઉપર આક્રમણ કરી તેનાં 11 ગામ જીતી લેતાં જૂનાગઢના નવાબ ગભરાઈને પોતાના કુટુંબ સાથે વિમાનમાર્ગે કેશોદથી કરાંચી નાસી ગયા હતા. બીજે દિવસે પણ લોકસેનાએ બીજાં 10 ગામ જીતી લીધાં.
માત્ર 18 દિવસમાં તેણે કુલ 106 ગામ જીતી લેતાં અને પાકિસ્તાન તરફથી કોઈ મદદ ન મળતાં જૂનાગઢના દીવાન શાહનવાઝ ભુટ્ટોએ આરઝી હકૂમતને શરણે થવાનું સ્વીકાર્યું અને ભારત સરકારને જૂનાગઢનો વહીવટ સંભાળી લેવા લેખિત વિનંતી કરી. તેથી ભારત સરકારના પ્રાદેશિક કમિશનર નીલમ બૂચે સેના સાથે 9 નવેમ્બર, 1947ની સાંજે જૂનાગઢ પહોંચી જઈ તેનો કબજો સંભાળ્યો હતો. પછીથી 20 ફેબ્રુઆરી, 1948ના રોજ જૂનાગઢમાં લોકમત લેવાતાં 1,90,779 લોકોએ ભારતમાં ભળવા માટે અને માત્ર 91વ્યક્તિઓએ પાકિસ્તાનમાં ભળવા માટે મતદાન કર્યું હતું. પછીથી જાન્યુઆરી, 1949માં જૂનાગઢ સૌરાષ્ટ્ર રાજ્યમાં ભળી જતાં સૌરાષ્ટ્રનાં દેશી રાજ્યોનું એકીકરણ પૂર્ણ થયું હતું.



