જૂનાગઢમાં ફોર્મ ભરવા મામલે પૂર્વ સરપંચ અને વીસીઈ વચ્ચે મારામારી, ગામે બંધ પાળ્યો…

અમદાવાદઃ જૂનાગઢ તાલુકાના ચોકી સોરઠ ગ્રામ પંચાયતમાં ફોર્મ ભરવા જેવી બાબતે વિલેજ કોમ્પ્યુટર એન્ટપ્રિન્યોર (વીસીઈ) અને પૂર્વ સરપંચ વચ્ચે મામલો ગરમાતા વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી. બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધવામાં આવી છે તેમ જ ગામમાં સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.
અહીંના વીસીઈ કેતનભાઈ સોલંકી અને પૂર્વ સરપંચ ભીખાભાઈ કોટડીયા વચ્ચે ખેડૂત સહાય ફોર્મ ભરવા મામલે રકઝક થઈ હતી. વીસીઈ તરીકે ફરજ બજાવતા કેતનભાઈએ ફરિયાદ કરી હતી કે તેઓ ખેડૂત સહાય ફોર્મ ભરી રહ્યા હતા ત્યારે ભીખાભાઈએ આક્ષેપ કર્યો હતો કે તેઓ ખેડૂતો પાસેથી રૂ. 100 ઉઘરાવી, ફોર્મ ભરી રહ્યા છે. આ સાથે જ્ઞાતિ મામલે અપશબ્દો બોલ્યા હતા અને લોબીમાં લઈ જઈ માર માર્યો હતો.
જ્યારે ભીખાભાઈએ આક્ષેપ કર્યો હતો કે તેમની પાસે સોલંકી ફોર્મ ભરવા પૈસા લઈ રહ્યા હોવાના વીડિયો છે. જ્યારે તેમણે સોલંકી સાથે આ મામલે દલીલ કરી ત્યારે સોલંકીએ તેના પરિવારજનોને બોલાવ્યા હતા અને ભીખાલાલને માર માર્યો હતો.
આ અંગે પોલીસે જણાવ્યું હતું કે બન્ને પક્ષની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે. દરમિયાન સરપંચના સમર્થનમાં ગામ સ્વયંભૂ બંધ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.



