પરંપરાના રખેવાળઃ જૂનાગઢની વણઝારી ચોકની ‘પરંપરાગત’ ગરબી: બાળાઓ રમે છે સળગતી ઇંઢોણીનો રાસ!

નવાબી કાળથી ચાલી આવેલી પરંપરા, જ્યાં બાળાઓ માથા પર સળગતી ઇંઢોણી અને હાથમાં મશાલ લઈને લે છે રાસ
જૂનાગઢ: હાલ શક્તિ આરાધના પર્વ નવરાત્રીની સમગ્ર રાજ્યમાં ભક્તિ અને ઉલ્લાસ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે, આ દરમિયાન ડીજે અને આધુનિક ગરબાનો વાયરો હોય તેમ લાગી રહયું છે પરંતુ ગુજરાતના અનેક સ્થળોએ નોરતા એ જ વર્ષો જૂની પરંપરા અનુસાર જ ઉજવવામાં આવી રહ્યા છે. જૂનાગઢમાં યોજાતી વણઝારી ચોકની ગરબી તેની પરંપરાઓને કારણે આજે પણ તેનું મહત્વ અકબંધ જળવાયું છે.
જૂનાગઢની વણઝારી ચોકની ગરબીની શરૂઆત છેક નવાબી કાળમાં થઈ હોવાનું ગરબી મંડળના પ્રમુખે જણાવ્યું હતું. જૂનાગઢમાં જ્યારે બાબી વંશનું શાસન હતું તે સમયે વણઝારી ચોકની ગરબીની શરૂઆત કરવામાં આવી હતી. છેક નવાબી કાળથી ચાલી આવતી પરંપરા આજે પણ અકબંધ રીતે જળવાઈ રહી છે. આ ગરબીનું આયોજન માત્ર મહિલાઓ અને બાળા માટે થાય છે, જે તેની આગવી ઓળખ છે.

આ પણ વાંચો: ‘મુંબઈ સમાચાર’ની 144 વર્ષ જૂની ઐતિહાસિક ધરોહર: સમાજ સુધારણા માટે ગરબાનો ‘અનોખો’ ઉપયોગ
સૌરાષ્ટ્રમાં યોજાતી અન્ય ગરબીઓની જેમ જ આ ગરબીનું આકર્ષણ છે સળગતી ઈંઢોણીનો રાસ. આ રાસ જોઈને દર્શકના રૂંવાટા ઊભા ન થાય તેવું બને નહિ. કારણ કે આ રાસમાં બાળાઓ માથા પર સળગતી ઈંઢોણી અને હાથમાં મશાલ લઈને રાસ રમે છે.
આ રીતે બાળાઓ લગભગ 15થી 20 મિનિટ સુધી રાસ લે છે. ઉલ્લેખનીય છે કે માતાજી પ્રત્યેની અતૂટ આસ્થાના કારણે આજદિન સુધી કોઈ દુર્ઘટના ન સર્જાય હોવાની વાત આયોજકોએ કરી હતી. આ ગરબી સાથે દિવાળીબેન ભીલ સાથે સંકળાયેલું છે.