Junagadh નો શામળદાસ ટાઉન હોલ 11 મહિનાથી બંધ , કલાકારોમાં આક્રોશ, શરૂ કરવા પત્ર વાયરલ

જૂનાગઢ: ગુજરાતના જૂનાગઢમાં(Junagadh)વર્ષ 2022માં 4.50 કરોડના ખર્ચે નિર્મિત શામળદાસ ટાઉન હોલ હાલ બંધ હાલતમાં હોવાની માહિતી પ્રકાશમાં આવી છે. જેમાં છેલ્લા 11 માસથી હોલમાં અલગ અલગ કારણોસર પ્રવુતિ બંધ છે. જેના લીધે સાંસ્કૃતિક પ્રવુતિઓ પણ સદંતર બંધ છે. તેવા સમયે આ ટાઉન હોલને ફરીથી શરૂ કરવાનો પત્ર વાયરલ થયો છે.
આ પણ વાંચો: “ઠાકોર સમાજનું અપમાન” ગુજરાત વિધાનસભામાં કલાકારોને આમંત્રણ પર વિક્રમ ઠાકોરે ઉઠાવ્યા સવાલ
કાર્યક્રમો માણવા અન્ય શહેરોમાં જવું પડે છે
આ પત્રમાં લખવામાં આવ્યું છે કે, જૂનાગઢની શાન સમો એકમાત્ર શામળદાસ હોલ બંધ છે.આપ જાણો છો કે છેલ્લા 11 મહીનાથી શામળદાસ ગાંધી ટાઉનહોલ હોલ અલગઅલગ કારણોસર બંધ છે જેને કારણે શહેરમાં ચાલતી બધી જ સાંસ્કૃતિક પ્રવૃતિઓ પણ સદંતર બંધ થઈ ગયેલ છે. હજુ પણ ટાઉનહોલ ક્યારે શરૂ થશે એ કહેવું મુશ્કેલ છે અને શહેરના કલાપ્રેમી લોકોને સ્વ ખર્ચે કાર્યક્રમો માણવા અન્ય શહેરોમાં જવું પડે છે જે અત્યંત ખેદજનક વાત છે.
વર્ષ 2022 માં સાડા ચાર કરોડના ખર્ચે રીનોવેટ કરાયો
આ ઉપરાંત પત્રમાં લખવામાં આવ્યું છે કે, વર્ષ 2022 માં સાડા ચાર કરોડના ખર્ચે અઢી વર્ષ રીનોવેટ થયા બાદ અત્યાધુનિક ટાઉનહોલ શહેરીજનોને અર્પિત થયો. સાંસ્કૃતિક પ્રવૃતિઓ શરૂ થઈ લોકોને મનગમતા કાર્યક્રમો થવા લાગ્યા, શહેરીજનો ઉમળકાથી તેને માણવા લાગ્યા.
એરકન્ડિશન પ્લાન્ટ નાંખવા માટે હોલ બંધ કરાયો
ત્યાં જ એપ્રિલ 2024 માં નવો એરકન્ડિશન પ્લાન્ટ નાંખવા માટે હોલ બંધ થયો તે આજ સુધી શરૂ નથી થયો. મળેલ માહિતી મુજબ 2022 માં જ રીનોવેશન કરેલ હોલ પડવાની હાલતમાં છે. છેલ્લા 10 મહિનાથી બાંધકામ શાખા પાસે મંજૂરી માટે આપેલ છે પણ એમના તરફથી કોઈ પ્રત્યુતર હજુ સુધી કોર્પોરેશનને મળેલ નથી ક્યારે મળશે એ પણ એમને ખબર નથી.
શહેરનો સાંસ્કૃતિક વારસો જળવાઈ રહે તે માટે પ્રયાસ
પત્રમાં આગળ લખવામાં આવ્યું છે કે, ત્યારે ધારાસભ્ય, સંસદ સભ્ય, કોર્પોરેટર તેમજ અન્ય સત્તાધિકારીઓને વિનંતી કે હજુ જૂનાગઢને અન્ય શહેરોની સરખામણીમાં પછાત થતું અટકાવે. આ કલાપ્રેમી, કલાકારોથી સમૃદ્ધ શહેરને અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમ માણવા મળી શકે.આ શહેરનો સાંસ્કૃતિક વારસો જળવાઈ રહે તે માટે આગામી બે મહિનામાં ટાઉનહોલ ફરી કાર્યરત કરો.
ટાઉનહોલનું સ્થળ બદલવા હિલચાલ
આ ઉપરાંત મળતી માહિતી અનુસાર આ ટાઉનહોલ તોડી મજેવડી ગેટ પાસે નવો બનાવવો તેવી હિલચાલ પણ શરૂ થઈ છે જેની કોઈ જરૂરિયાત જ નથી. ટાઉનહોલ શહેરની મધ્યમાં જ હોય.