કેશોદમાં સંસ્થા સંચાલકે શિષ્યવૃત્તિના પૈસામાંથી નવી કાર ખરીદી, જાણો તપાસમાં બીજો શું થયો ચોંકાવનારો ખુલાસો | મુંબઈ સમાચાર
જૂનાગઢ

કેશોદમાં સંસ્થા સંચાલકે શિષ્યવૃત્તિના પૈસામાંથી નવી કાર ખરીદી, જાણો તપાસમાં બીજો શું થયો ચોંકાવનારો ખુલાસો

જૂનાગઢઃ 4.60 કરોડના શિષ્યવૃતિ કૌભાંડની એસઓજી દ્વારા તપાસ ચાલી રહી છે. જેમાં કેશોદની સંસ્થાના સંચાલકે વિદ્યાર્થીઓને ચુકવવાની શિષ્યવૃતી ચાઉં કરી તેમાંથી કાર ખરીદ કરી હતી. તેના હપ્તા તેમજ ડાઉન પેમેન્ટની માહિતી મળી હતી. આ ઉપરાંત માંગરોળની સંસ્થામાં તપાસ કરતા ત્યાં 88 ચેક દ્વારા અલગ-અલગ વ્યક્તિઓ મારફત વિડ્રો કરવામાં આવ્યાનું સામે આવ્યું હતું.

શું છે મામલો

જૂનાગઢ જીલ્લા અનુસુચિત જાતિ કલ્યાણ નિયામકની કચેરીમાંથી જીલ્લાની 12 જેટલી સંસ્થાના સંચાલકોએ વિદ્યાર્થીઓના નામના ખોટા દસ્તાવેજો બનાવી કુલ 4.60 કરોડથી વધુની રકમ મેળવી લઈ ચાઉં કરી લીધી હતી. 2023માં દાખલ થયેલી આ ફરિયાદ બાદ એસઓજીએ તાજેતરમાં ચાર આરોપીની ધરપકડ કરી 6 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. એસઓજીએ ક્રિષ્ના પેરામેડિકલ સંસ્થાના સંચાલક જગદિશ પરમારની પૂછપરછ કરતા તેણે શિષ્યવૃત્તિના પોતાના ખાતામાં આવેલા પૈસામાંથી એક કાર ખરીદ કર્યાની કબૂલાત કરી હતી. પોલીસને તેના હપ્તા અને ડાઉન પેમેન્ટ ભર્યાની માહિતી પણ મળી હતી.

આ ઉપરાંત માંગરોળની ઈન્ડિયન ઈસ્ટીટ્યૂટમાં તપાસ કરતા તેના ખાતાધારકે શિષ્યવૃત્તિના પૈસા જમા થયા તે અલગ-અલગ 88 ચેક દ્વારા અલગ-અલગ વ્યક્તિઓ મારફત ખાતામાંથી વિડ્રો કરાવ્યા હતા. માણાવદરની રોયલ ઈન્સ્ટીટયુટમાં તપાસ કરતા તેના ખાતા ધારકે અલગ-અલગ 4 ચેક અલગ-અલગ વ્યક્તિ દ્વારા વિડ્રો કરાવ્યા હોવાનું સામે આવ્યું હતું. હાલ એસઓજી દ્વારા આ મામલે વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે અને થોડા જ દિવસોમાં વધુ ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button