કેશોદના વૃદ્ધની રોકડ રકમ ગણતરીના કલાકોમાં શોધી આપી જૂનાગઢ પોલીસે

જૂનાગઢઃ પોલીસ પ્રજાની રક્ષક હોય છે અને મિત્ર પણ. ખાખીમાં દેખાતો કડક ચહેરો ભલે ડરાવતો હોય, પરંતુ હૃદય એકદમ કોમળ હોય તેવા ઘણા ઉદાહરણો જોવા મળે છે. જૂનાગઢ પોલીસે જે કર્યું તે તેમની જવાબદારી જ હતી, પરંતુ ગણતરીની કલાકોમાં તેમણે વૃદ્ધ ફરિયાદની જે મદદ કરી તે કાબિલે તારીફ છે.
કેશોદથી ખરીદી કરવા આવેલા એક વૃદ્ધની રૂ. 60,000ની રોકડ રકમવાળી થેલી કોઈ રિક્ષામાં ભૂલાઈ ગઈ હતી, જેને જૂનાગઢના પોલીસકર્મીએ ગણતરીના કલાકોમાં શોધી આપી હતી. આ રોકડ રકમ સાથે તેમણે કરિયાણુ ખરીદ્યું હતું. બન્ને તેઓ ભૂલથી રિક્ષામાં ભૂલી ગયા હતા.
કેશોદના ગોકપલનગરમાં રહેતા વજુભાઈ વલ્લભભાઈ સુબા (70) દિવાળી નિમિત્તે ખરીદી કરવા જૂનાગઢ આવ્યા હતા. ખરીદી પૂરી કરી રિક્ષા કરી તેઓ આઝાદ ચોક ખાતે ઉતર્યા હતા, પરંતુ રૂ. 60,000ની રોકડ રકમવાળી થેલી અને અનાજ કરિયાણાની થેલી તેઓ રિક્ષામાં ભૂલી ગયા હતા. વૃદ્ધ વજુભાઈએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો અને પોતાની વ્યથા ઠાલવી હતી. આટલી મોટી રકમ હોવાથી તેઓ ઘણા જ દુઃખી હતા.
વૃદ્ધની ફરિયાદ બાદ પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું અને 15 જેટલા અલગ અલગ સ્થળોના સીસીટીવી કેમરા ચેક કરવામાં આવ્યા હતા. એક ફૂટેજમાં રિક્ષા તળાવ તરફથી જતી દેખાતી હતી, આ રિક્ષાની તપાસ કરતા પોલીસને વૃદ્ધની થેલી મળી આવી હતી. પોલીસે વૃદ્ધને પરત કરી હતી અને સૌનો આભાર માન્યો હતો.