જૂનાગઢમાં ગુજસીટોકના આરોપીઓએ પચાવી પાડેલી રૂ. 3 કરોડની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી...
જૂનાગઢ

જૂનાગઢમાં ગુજસીટોકના આરોપીઓએ પચાવી પાડેલી રૂ. 3 કરોડની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી…

જૂનાગઢઃ રાજ્યમાં ગેરકાયદે કરેલા દબાણો પર બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત જૂનાગઢમાં ગુજસીટોકના આરોપીઓએ પચાવી પાડેલી રૂપિયા3 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. જૂનાગઢ પોલીસે પોતાની 100 કલાકની કાર્યવાહી મુજબ આજે જૂનાગઢના ગાંધીગ્રામ વિસ્તારમાં દબદબો ધરાવતા આવારા તત્વોના ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવી દીધું હતું.

આ કાર્યવાહીમાં, ગુજસીટોક સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અનેક આરોપીઓ દ્વારા સરકારી જમીન પર ખડકી દેવાયેલા દબાણોને દૂર કરવામાં આવ્યા હતા. આ ડિમોલેશનની કાર્યવાહીમાં અંદાજે 2400 સ્ક્વેર મીટર જેટલી સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.

આરોપીએ એક-બે નહીં પણ અલગ અલગ ચાર જગ્યાઓ પર સરકારી જમીન પચાવી પાડી હતી અને ગેરકાયદેસર બાંધકામ ખડકી દીધું હતું. જૂનાગઢ સી-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી આ કાર્યવાહીથી ગેરકાયદે જમીન પચાવી પાડનારા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો. ડિમોલેશનમાં સંડોવાયેલા આરોપીઓ વિરુદ્ધ શરીર સંબંધિત ગુનાઓ, પ્રોહિબિશન, ધાકધમકી અને મારકૂટ સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા હતા.

સૂત્રોએ જણાવ્યું કે, રાજ્ય સરકાર અસામાજિક તત્વો સામે કડકાઈ પૂર્વક કાયદાકીય કાર્યવાહી કરવા કટિબદ્ધ છે. અગાઉ પણ શહેરમાં આવા તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરાઈ હતી.આ કાર્યવાહીમાં ગાંધીગ્રામ વિસ્તારમાં અલગ અલગ આઠ જગ્યાઓ પરના દબાણોને દૂર કરવામાં આવ્યા હતા.

દબાણ કરનારા ઈસમોને વહીવટી તંત્ર દ્વારા અગાઉ નોટિસ પણ પાઠવવામાં આવી હતી, જોકે તેમ છતાં દૂર ન કરવામાં આવતા આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત સૂત્રોએ કહ્યું કે, આ ડિમોલેશનની કામગીરી આગામી સમયમાં પણ શરૂ રાખવામાં આવશે.

થોડા દિવસ પહેલા ગાંધીનગર જિલ્લાના બહિયલ ગામમાં નવરાત્રી દરમિયાન થયેલી હિંસક અથડામણના બનાવમાં વહીવત્ર તંત્રએ આકરી કાર્યવાહી કરી હતી નવરાત્રી દરમિયાન પથ્થરમારો, પોલીસ પર હુમલો અને ચાર જેટલી દુકાનોને આગ ચાંપવાના બનાવમાં તંત્રએ કાર્યવાહી કરતાં 186 જેટલા ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી દીધું હતું.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button