જૂનાગઢમાં મુસ્લિમ યુવકને પ્રેમ પ્રકરણમાં દરગાહમાં ઘૂસીને રહેંસી નંખાયો

જૂનાગઢઃ વંથલીમાં પ્રેમ પ્રકરણમાં ખૂની ખેલ ખેલાયો હતો. મુસ્લિમ યુવકને પ્રેમ પ્રકરણમાં દરગાહમાં ઘૂસીને રહેંસી નંખાયો હતો. તીક્ષ્ણ હથિયારો સાથે ચાર શખ્સોએ બે યુવકો પર હુમલો કરતા એક યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક યુવક લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો છે. આ અંગે મૃતક યુવકના પિતાએ ફરિયાદ કરતા વંથલી પોલીસે ચાર શખ્સો સામે હત્યાનો ગુનો દાખલ કરી પિતા-પુત્ર સહિત ત્રણને પકડી લઈ વધુ તપાસ હાથ ધરી હતી.
શું છે મામલો
વંથલીમાં વાલીઝાંપા વિસ્તારમાં રહેતા મુસાભાઈ અબદલભાઈ સોઢાના પુત્ર તાજીમ(ઉ.વ.૩૪)ને એક યુવતી સાથે પ્રેમ સબંધ હતો. આ બાબતે બંનેના પરિવાર વચ્ચે પાંચ-છ માસથી માથાકૂટ ચાલતી હતી. અગાઉ પ્રેમિકાના પિતાએ તાજીમને મારી નાખવાની ધમકી આપી હતી. આથી ડરી ગયેલા તાજીમે ફિનાઈલ પી લીધુ હતું. તે વખતે તાજીમે વંથલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી હતી. આ માથાકૂટના કારણે મુસાભાઈએ પોતાની જૂનાગઢ રહેતી પુત્રી પાસે તાજીમને રહેવા મોકલી દીધો હતો.
છેલ્લા ત્રણેક માસથી તાજીમ ફરી વંથલી પિતા સાથે રહેવા આવી ગયો હતો. ગત રાત્રીના તાજીમ તથા તેના મિત્ર શકીલ સહિતનાઓ ભલાયશા પીરની દરગાહમાં બેઠા હતા ત્યારે આરોપીઓ લોખંડના સળીયા, છરી, ધોકા સાથે આવ્યા હકતા અને તાજીમ પર હુમલો કર્યો હતો. આડેધડ માર મારતા તાજીમ લોહીલુહાણ હાલતમાં ત્યાં પડી ગયો હતો. તેના મિત્ર શકીલે વચ્ચે પડી બચાવવા પ્રયાસ કરતા તેને પણ સળીયા વડે માર માર્યો હતો.
મિત્ર ઈમરાન જેઠવાએ તાજીમના પિતા મુસાભાઈ સોઢાને ફોન કરી વાત કરતા મુસાભાઈ તથા તેનો નાનો પુત્ર રહીશ દરગાહ ખાતે પહોંચ્યા હતા. જ્યાં ચારેય શખ્સો હથિયારો સાથે ભાગતા જોવા મળ્યા હતા અને તાજીમ ત્યાં પડયો હતો. ઈજાગ્રસ્ત તાજીમને સારવાર માટે વંથલી સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં ફરજ પરના તબીબે તાજીમને તપાસી મૃત જાહેર કર્યો હતો. શકીલને ડાબા હાથમાં ઈજા હોવાથી પ્રાથમિક સારવાર બાદ તેને વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડાયો હતો. આ બનાવથી પરિવારમાં ગમગીની વ્યાપી ગઈ હતી.
આપણ વાંચો: ભાજપ છોડી કોંગ્રેસમાં ગયેલા ભૂતપૂર્વ ધારાસભ્યની કંપનીના 1900 કરોડના બેનામી ગોટાળા પકડાયા



