જૂનાગઢ

જૂનાગઢમાં સહકારી મંડળીનું ₹2 કરોડનું મહાકૌભાંડ: પૂર્વ મંત્રીએ ખેડૂતો અને થાપણદારોના પરસેવાની કમાણી હડપ કરી!

ખાતરનો સ્ટોક વેચ્યો, થાપણદારોના નાણાં હડપ્યા અને ખોટા ધિરાણો બતાવી આચરી મોટી ઉચાપત

જૂનાગઢ: જિલ્લાના માળીયા હાટીના તાલુકાના જુથળ ગામની સહકારી મંડળીના પૂર્વ મંત્રીએ બેંકમાંથી ખોટા ધિરાણો મેળવી, ખોટા પત્રક દર્શાવી, ખાતર – વેચાણ તથા મંડળીના થાપણદારોના રૂપિયા પડાવી જમા ન કરાવીને કરોડોની ઉચાપત કરી હોવાની ચોંકાવનારી ઘટના બહાર આવી છે.

મંડળીના પૂર્વ મંત્રી કાંતિભાઈ નરશીભાઈ હિંગરાજીયાએ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી ખેડૂત સભાસદોના વિશ્વાસ સાથે છેતરપિંડી આચરી કુલ ₹2,09,49,609 ની માતબર રકમની ઉચાપત કરી હોવાની ફરિયાદ માળીયા પોલીસ મથકે નોંધાઈ હતી.

પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદની વિગતો અનુસાર, મંડળીના પ્રમુખ કનૈયાલાલ (કનુભાઈ) દેવશીભાઈ કનેરીયા દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ અનુસાર, આરોપી મંત્રી વર્ષ 2009થી ફરજ બજાવતા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે મંત્રીએ ખેડૂતો પાસેથી વસૂલ કરેલી લોનની રકમ બેંકમાં જમા કરાવવાને બદલે અંગત ઉપયોગમાં વાપરી નાખી હતી.

આપણ વાચો: નિરમા યુનિવર્સિટીના કર્મચારીએ 5 કરોડની ઉપાચત કઈ રીતે કરી એ જાણીને મગજ ચકરાઈ જશે…

આ ઉપરાંત, મંડળીના રેકોર્ડ પર ₹26.78 લાખનો ખાતરનો સ્ટોક દર્શાવ્યો હતો, પરંતુ વાસ્તવમાં કોઈ સ્ટોક હાજર નહોતો. મંત્રીએ બારોબાર ખાતર વેચીને તે રકમની પણ ઉચાપત કરી હોવાનું તપાસમાં ખુલ્યું છે.

ઉચાપતની વિગતોમાં રોકડ ઘટ, ધિરાણ ઉચાપત અને થાપણદારોના નાણાંનો પણ સમાવેશ થાય છે. મંત્રીએ 23 જેટલા થાપણદારોના ₹30.44 લાખ સરવૈયામાં જમા લીધા વગર જ હડપ કરી લીધા હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.

એટલું જ નહીં, મંડળીના કાર્યક્ષેત્ર બહારના લોકોને ખોટા ધિરાણો આપીને તેમજ પોતાના નામે ગેરકાયદેસર લોન લઈને મંડળીને આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું. ઓગસ્ટ 2025માં થયેલી સ્પેશિયલ તપાસ (ચોકસી અધિકારી દ્વારા) બાદ આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે.

મંત્રી દ્વારા કરવામાં આવેલી ઉચાપતના આંકડાઓ જોઈએ તો, રૂ. ૫૯,૪૨,૯૮૯ લાખની રોકડ ઘટ ઉચાપત, રૂ. ૨૬,૭૮,૯૯૧ લાખની સ્ટોક ઘટ ઉચાપત, રૂ. ૭૦,૬૭,૧૦૦ લાખની ધિરાણ ઉચાપત, રૂ. ૩૦,૪૪,૦૦૦ લાખની થાપણ ઉચાપત, રૂ. ૧૩,૨૬,૪૩૦ લાખની બેન્ક ખાતા ઉચાપત, રૂ. ૮,૯૦,૦૯૯ લાખની અંગત લોન ઉચાપત મળીને કુલ ૨,૦૯,૪૯,૬૦૯ કરોડની ઉચાપત કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે.

હાલમાં પોલીસ દ્વારા આરોપી કાંતિભાઈ હિંગરાજીયા સામે ભારતીય દંડ સંહિતાની કલમ 406, 409, 420 (છેતરપિંડી), 465, 467 (બનાવટી દસ્તાવેજ) અને ગુજરાત સહકારી ધારાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એપ્રિલ 2024થી મંત્રી કોઈને કહ્યા વગર ફરાર થઈ ગયા હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસ હવે આ કેસમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી રહી છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button