ઘરેથી ફરી નીકળી ગયેલા મહાદેવગીરી બાપુએ વીડિયો મેસેજ દ્વારા સુરક્ષિત હોવાનો આપ્યો સંદેશ…

જૂનાગઢ :જૂનાગઢના ભારતી આશ્રમના ભૂતપૂર્વ લઘુમહંત મહાદેવગીરી બાપુ ફરી એકવાર ગુમ થઈ જવાની ખબરોએ ચકચાર મચાવી હતી. થોડા સમય પહેલા જ તેઓ ગુમ થયા હતા અને લગભગ 80 કલાકની જહેમત બાદ મળ્યા હતા. હવે તેઓ જસદણના સાણથલી ગામથી પરિવારને જાણ કર્યા વિના નીકળી ગયા હોવાથી પરિવાર પણ ચિંતામાં હતો.
જોકે મંગળવારે તેમણે એક વીડિયો મેસેજના માધ્યમથી જણાવ્યું હતું કે તેઓ યાત્રા પર નીકળ્યા છે અને જ્યાં છે ત્યાં સુરક્ષિત છે. થોડા દિવસો પહેલા તેમણે આશ્રમના આંતરિક મુદ્દાઓથી નારાજ થઈ એક સ્યૂસાઈડ નોટ પણ લખી હતી અને ત્યારબાદ આશ્રમ છોડી નીકળી પડ્યા હતા. પોલીસે મોટી ટીમો સાથે સર્ચ ઓપરેશન લૉંચ કર્યું હતું અને તેઓ ઈટાવા ઘોડી વિસ્તારમાંથી મળી આવ્યા હતા.
તેમની તબિયત પણ બગડી હોવાથી તેમને હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે આ સમગ્ર વિવાદ બાદ ભારતી આશ્રમના ગુરુ હરિહરાનંદબાપુએ મહાદેવગીરી બાપુ સામે કડક પગલાં લીધા હતા અને તેમને તમામ પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા અને અન્ય કોઈપણ ભારતી આશ્રમમાં પર તેમને પ્રવેશવા ન દેવામાં આવે તેવી સૂચના આપવામાં આવી હતી.
ત્યારબાદ તેઓ પરિવાર સાથે રહેતા હતા. જોકે પરિવારને જણાવ્યા સિવાય તેઓ ઘરેથી ચાલી નીકળ્યા હોવાથી પરિવાર ચિંતામાં હતો, પરંતુ તેમણે વીડિયો મેસેજ દ્વારા પોતે સુરક્ષિત હોવાનું જણાવ્યું હતું.



