જૂનાગઢ

જૂનાગઢઃ ભારતી આશ્રમમાંથી ગુમ થયેલા લઘુ મહંત મહાદેવ ભારતી આ સ્થિતિમાં મળ્યા

જૂનાગઢઃ ભારતી આશ્રમમાંથી ગુમ થયેલા લઘુ મહંત મહાદેવ ભારતી આજે મળી આવ્યા હતા. ઈટાવા ઘોડી વિસ્તારમાંથી તેઓ અશક્ત હાલતમાં મળ્યા હતા. પોલીસ છેલ્લા ચાર દિવસથી તેમને શોધી રહી હતી. લઘુ મહંત મહાદેવ ભારતને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ ઓપરેશનમાં પોલીસની 8 ટીમો તહેનાત કરવામાં આવી હતી. તેમાં કુલ 300થી વધુ કર્મચારીઓ જોડાયા હતા, જેમાં 240થી વધારે પોલીસ સ્ટાફ, 40થી વધુ એસડીઆરએફના જવાનો અને 30થી વધુ વન કર્મચારીઓ હતા. જટાશંકર મંદિરના વિસ્તાર પાસેથી આ સર્ચ ઑપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને તમામ ટીમોને સંકલન જાળવવા માટે વોકીટોકી આપવામાં આવ્યા હતા.

બાપુએ ગુમ થતા પહેલા લખેલી સ્યુસાઈડ નોટમાં અનેક ચોંકાવનારી બાબતોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ત્રણથી વધુ પાનાની સુસાઇડ નોટ પણ લખી હતી અને કથિત રીતે આશ્રમ સાથે સંકળાયેલા લોકો પર આક્ષેપ કર્યા હતા.

આશ્રમમાં રહેતા અને વહીવટ સંભાળતા અનેક શખ્સોને આશ્રમ સાથે જોડાયેલા લોકોની સાથે આડા સબંધ હોવાનો પણ સ્યુસાઈડ નોટમાં ચોંકવનારો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. મહિલા સાથેના સબંધના લીધે જે ફેરફાર થયા તેના કારણે આશ્રમના અન્ય સાધુને તે વાત હજમ ન થઈ અને ત્યાંથી આ વિવાદની શરૂઆત થઈ હતી. ત્યારબાદ આશ્રમના અન્ય વહીવટકર્તા એક સાધુએ મળી મહાદેવ ભારતીને યેનકેન પ્રકારે માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. જેના લીધે મહાદેવ ભારતી ભારતી આશ્રમની ગુજરાતમાં અલગ-અલગ સ્થળે આવેલ જગ્યાઓમાં ચાલ્યા જતા હતા ત્યાં પણ આ શખ્સો દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો. મહાદેવ ભારતીએ હિતેષ ઝડફીયા, કૃણાલ શીયાણી, પરેશ ઉર્ફે પરમેશ્વર ભારતી તથા અમદાવાદના નિલેશભાઈ ડોડીયા અને રોનક સોનીએ ત્રાસ આપ્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે. તેમણે નોટમાં લખ્યું છે કે, આ બધાને તેમના કર્મની સજા મળે કે જેથી બીજા કોઈનું જીવન ઝેર ન બને અને તેમને જીવ ખોવો ન પડે.

આ ઉપરાંત સ્યુસાઈડ નોટમાં ભારતી આશ્રમના લઘુ મહંત અને મહા મંડલેશ્વર મહાદેવ બાપુએ સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો કે, હું બધાના ત્રાસથી મારું જીવન પૂર્ણ કરવા જઈ રહ્યો છું, હું આજે જંગલમાં ગિરનારીના સાનિધ્યમાં મારું જીવન પૂરું કરું છું, મારી એવી ઈચ્છા છે કે મારે મારું શરીર જીવતા તો કોઈને કામ આવ્યું હોય કે ન આવ્યું હોય પણ મર્યા પછી આ જીવન જંગલી પશુઓને કામ આવે એટલા માટે હું જંગલમાં જઈ રહ્યો છું, કદાચ મારું શરીર હેમખેમ મળે તો આ શરીરને સમાધિ ન આપતા અને દેહદાન કરી દેજો. આ ઘટનાની જાણ ભવનાથ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી અને તેના આધારે ભવનાથ પોલીસ તેમજ જૂનાગઢ પોલીસની ટીમે તપાસ હાથ ધરી હતી.

ગુમ થયા દિવસે લઘુ મહંત મહાદેવ ભારતીએ મોડીરાત્રીના ટ્રસ્ટીઓને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે હું જટાશંકર છું, મને અહીંથી લઈ જાઓ, મારી ભૂલ થઈ ગઈ. હું ફરી પાછો આશ્રમે આવવા માગું છું. ફોન આવ્યા બાદ ભારતી આશ્રમના સંચાલકો સેવકોએ આ અંગે પોલીસને જાણ કરી અને પોલીસ તેમજ સેવકગણ તાત્કાલિક જટાશંકર પહોંચ્યું હતું, પરંતુ ત્યાંથી પણ બાપુ ગુમ થઈ ગયા હતા. ત્યારબાદ પોલીસે મોબાઈલ લોકેશનના આધારે વહેલી સવાર સુધી શોધખોળ કરી હતી અને પરંતુ સફળતા મળી નહોતી.

આપણ વાંચો:  સુરતમાં બેગમાંથી મળેલી મહિલાની લાશનો ભેદ ઉકેલાયો, લિવ ઈન પાર્ટનરે લગ્નના દબાણથી ત્રાસી કાસળ કાઢ્યું

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button