સાધુ-સંતોના સામૈયામાં ઉમટશે જૂનાગઢ: મહાશિવરાત્રીના મેળામાં પ્રથમવાર યોજાશે ભવ્ય ‘ડમરૂ યાત્રા’

(અમારા પ્રતિનિધિ તરફથી)
જૂનાગઢ: સિધ્ધ ક્ષેત્ર સમાન ભવનાથમાં મહાશિવરાત્રીના મેળાનું આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહત્વ જળવાઈ રહે તે રીતે અને આ મહામેળાની શાનમાં વધારો કરવા પ્રથમ વાર ભવ્ય ડમરૂ યાત્રા યોજાશે, આ ડમરૂ યાત્રામાં મેળામાં પધારેલા સાધુ સંતોનું સ્વાગત કરવામાં આવશે. જેમાં જૂનાગઢના સર્વ સમાજના લોકો જોડાશે, સાથે જ સર્વ સમાજની દીકરીઓ માથે કળશ લઇ સાધુ-સંતોનું વિશેષ સ્વાગત કરશે..

આ ડમરૂ યાત્રા સંદર્ભે જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી, આ બેઠકમાં મેયર, ધારાસભ્ય સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાશિવરાત્રીના પ્રથમ દિવસે તા.૧૧મી ફેબ્રુઆરીએ સાંજના ૭ કલાકે ભવનાથ પ્રવેશ દ્વારથી શ્રી ભવનાથ મંદિર સુધીની ડમરૂ યાત્રા યોજાશે, ત્યારબાદ ભવનાથ મંદિર ખાતે મહાઆરતી અને ત્યાર પછી ધર્મસભા યોજાશે.આ બેઠકમાં કે.વી. બાટીએ ડમરૂ યાત્રાની રૂપરેખા આપી હતી.
ધારાસભ્ય સંજય કોરડીયાએ જણાવ્યું હતું કે, જે રીતે અન્ય ધાર્મિક આધ્યાત્મિક મેળાઓમાં સાધુ સંતોની નગર પ્રવેશની જે યાત્રા યોજાય છે તેવી જ રીતે જૂનાગઢમાં સાધુ સંતોના સ્વાગત માટે ભવ્ય ડમરૂ યાત્રા યોજાશે, ત્યારે જૂનાગઢના આંગણે આ મહામેળામાં સર્વ સમાજના લોકો સાધુ સંતોના સન્માન માટે જોડાશે. તેમણે સર્વ સમાજના આગેવાનોને મહાશિવરાત્રી મેળામાં યોજાનાર ડમરૂ યાત્રામાં જોડાવા માટે અનુરોધ કર્યો હતો, સાથે જ વ્યવસ્થાઓમાં જરૂરી સહયોગ કરવા પણ અપીલ કરી હતી.



