લીલી પરિક્રમા બંધ છતાં જૂનાગઢમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

જૂનાગઢઃ છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા વરસાદના કારણે જૂનાગઢમાં લીલી પરિક્રમાનો સમગ્ર માર્ગ ખરાબ રીતે ધોવાઈ ગયો હતો અને અનેક જગ્યાએ રસ્તો બિસ્માર બની ગયો હતો. આ રૂટ પર પગપાળા ચાલવું અત્યંત જોખમી બની શકે તેમ હોવાથી, જ્યાં સુધી વરસાદની સ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી પરિક્રમા સ્થગિત રાખવાનો નિર્ણય લેવાયો હતો. કમાસી વરસાદના કારણે લીલી પરિક્રમા સ્થગિત કરવામાં આવી હોવા છતાં જૂનાગઢમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું હતું.
શ્રદ્ધાળુઓએ માત્ર એક દિવસ માટે પરિક્રમા કરવાની છૂટ આપવામાં આવે તેવી માંગ કરી હતી. ઉપરાંત જો પરવાનગી ન મળે તો ઘણા શ્રદ્ધાળુઓએ પ્રતીકાત્મક રીતે ગિરનાર પર્વત ચડીને પોતાની યાત્રા પૂર્ણ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. તંત્ર દ્વારા ભવનાથ ક્ષેત્રમાં આવેલો પરિક્રમાનો પ્રવેશદ્વાર, ઈટવા ગેટ, બંધ કરી દેવાયો હતો અને પોલીસ તેમજ વન વિભાગનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. જોકે તેમ છતાં, લાખો શ્રદ્ધાળુઓ હજી પણ પરિક્રમા શરૂ થશે તેવી આશા સાથે ભવનાથ ક્ષેત્રમાં આવી રહ્યા છે.
આ પણ વાંચો : ભારે વરસાદના કારણે લીલી પરિક્રમાનો 36 કિમીનો રૂટ ધોવાયો, જિલ્લા કલેક્ટરે આપી આવી સૂચના
ભક્તોના કહેવા મુજબ ગિરનારની લીલી પરિક્રમા માત્ર આસ્થાનું જ નહીં, પણ હજારો સેવાભાવી સંસ્થાઓ માટે સેવાનો અવસર છે. પરિક્રમા સ્થગિત થવાની ગંભીર અસર અન્નક્ષેત્રો, ઉતારા મંડળો અને સેવાકીય સંસ્થાઓ પર પણ પડી છે. ભાવિકોની સલામતી અને સુરક્ષાને ધ્યાને રાખીને આ નિર્ણય લેવાયો હોવા છતાં, ગિરનારી બાપુ પરની આસ્થા અકબંધ છે અને ઘણા શ્રદ્ધાળુઓ હજુ પણ આશા સેવી રહ્યા છે કે આવનારા દિવસોમાં તંત્ર દ્વારા ઓછામાં ઓછા એક દિવસ માટે પણ પરિક્રમા કરવાની છૂટ આપવામાં આવશે.



