જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની હોસ્ટેલમાં દીપડો ઘૂસતા ભયનો માહોલ

જૂનાગઢઃ જિલ્લામાં સિંહ અને દીપડાની મોટી સંખ્યા છે. જિલ્લામાં વન્યપ્રાણીઓના છાસવારે સીસીટીવી વાયરલ થતા હોય છે. આ દરમિયાન જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની અંદર આવેલી કૃષિ કોલેજની હોસ્ટેલમાં વહેલી સવારે દીપડો ઘૂસી આવ્યો હોવાના સીસીટીવી ફૂટેજ વાયરલ થતાં વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં ભયનો માહોલ ફેલાયો હતો.
સીસીટીવી મુજબ, દીપડો ખુલ્લા દરવાજામાંથી અંદર પ્રવેશ્યો હતો તેમજ લોબીમાં લટાર મારી હતી અન પગથિયા ચડ્યો હતો. આ ઘટના બાદ યુનિવર્સિટી તંત્ર સફાળું જાગ્યું હતું અને કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો: Amreli માં બે વર્ષના બાળકને દીપડો ઉઠાવી ગયો, મૃતદેહ મળ્યો, વનવિભાગે શોધખોળ શરૂ કરી…
કૃષિ યુનિવર્સિટી દ્વારા તાત્કાલિક વિદ્યાર્થીઓને સાવચેત રહેવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને કોઈપણ વન્ય પ્રાણીઓને છંછેડવા નહીં અને તેમની આસપાસ ફરકવું નહીં તેવી સ્પષ્ટ તાકીદ કરી હતી. આ સાથે યુનિવર્સિટીના વહીવટી તંત્રએ આ ગંભીર ઘટનાની જાણ વન વિભાગને કરી હતી અને તાત્કાલિક દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવવાની માંગ કરી હતી.