જૂનાગઢ ખેલ મહોત્સવમાં ધારાસભ્યના મોબાઈલ ચોરાયા: ભાજપના કાર્યકરો શંકાના દાયરામાં

જૂનાગઢ: જૂનાગઢમાં યોજાયેલા સાંસદ ખેલ મહોત્સવના કાર્યક્રમમાં ચોરીની ઘટનાની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. આ વીવીઆઈપી કાર્યક્રમમાં હાજર રહેલા ધોરાજી-ઉપલેટાના ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાના એકસાથે બે મોબાઈલ ફોન ગુમ થઈ ગયા હતા.
ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ધારાસભ્યના ફોન ચોરાઈ જતાં આ મામલો છેક ગાંધીનગર સુધી પહોંચ્યો હતો અને સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઊભા થયા હતા.
આપણ વાચો: અમદાવાદમાં સરખેજના રોજા ખાતે ચોરીની ઘટના: ફરિયાદ પછી પોલીસ એક્શનમાં
મળતી વિગતો અનુસાર આ બનાવ બાદ ગાંધીનગરથી તપાસના આદેશ કરવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. પોલીસ તંત્ર તાત્કાલિક કામે લાગી ગયા હોવાની પણ વિગતો મળી હતી.
જોકે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ ભોગ બનનાર વ્યક્તિ ધારાસભ્ય હોવાથી પોલીસ પ્રશાસન દ્વારા ગુપ્ત રીતે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આ પ્રકરણમાં સૌથી ગંભીર બાબત એ છે કે ઘટના સમયે ત્યાં કોઈ સામાન્ય નાગરિક નહીં, પરંતુ માત્ર ભાજપના કાર્યકરો, હોદ્દેદારો અને સરકારી અધિકારીઓ જ હાજર હતા. પોલીસ તપાસમાં મોબાઈલના લોકેશન અને હિસ્ટ્રી ચકાસતા શંકાની સોય ભાજપના જ એક મહિલા અગ્રણી અને અન્ય એક કાર્યકર તરફ વળી છે. આથી હાલ આ મુદ્દો ખૂબ જ ચર્ચાઇ રહ્યો છે.



