જૂનાગઢ: ફટાકડા ફોડવાની નજીવી બાબતમાં ઝવેરીને બાપ-દીકરાએ માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી | મુંબઈ સમાચાર
જૂનાગઢ

જૂનાગઢ: ફટાકડા ફોડવાની નજીવી બાબતમાં ઝવેરીને બાપ-દીકરાએ માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી

જૂનાગઢ: શહેરના ચોક્સી બજાર વિસ્તારમાં દિવાળીના તહેવારની રાત્રે ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતને લઈને મોટો ઝઘડો થયો હતો. ફટાકડો સામેની દુકાન તરફ જતા દુકાનમાલિક અને તેના બે પુત્રે જ્વેલર્સના વેપારીને અપશબ્દો કહીને માર માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર જૂનાગઢની મહાવીર સોસાયટીમાં રહેતા અને ચોક્સી બજારમાં બાલાજી આણંદજી નામની સોના-ચાંદીની પેઢી ધરાવતા નેમીનભાઈ રૂપેશભાઈ હેમાણી (ઉ.વ. ૨૯)એ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદી નેમીનભાઈએ જણાવ્યું કે, સોમવારની રાત્રે સવા નવેક વાગ્યાના સમયે તેઓ તેમની દુકાને હતા અને દિવાળીના તહેવાર નિમિત્તે દુકાન બહાર ફટાકડા ફોડી રહ્યા હતા. આ દરમિયાન એક ફટાકડો તેમની સામે આવેલી રસીકભાઈની દુકાન તરફ ગયો હતો.

આપણ વાંચો: નિર્દયતા ! Surat માં પુત્રએ જ 85 વર્ષની માતાની હત્યા કરી, ભોજન મુદ્દે થયો હતો ઝઘડો…

આ બાબતનું મનદુઃખ રાખીને રસીકભાઈ નેમીનભાઈને ફટાકડા બાબતે કહેવા આવ્યા અને તેમને જેમ ફાવે તેમ ગાળો આપવા લાગ્યા. નેમીનભાઈએ ગાળો આપવાની ના પાડતા રસીકભાઈના પુત્રો સુભાષ અને હાર્દિક પણ ત્યાં આવી ગયા હતા.

રસીકભાઈ અને તેમના બંને પુત્રો સુભાષ તથા હાર્દિક, ત્રણેયે ભેગા મળીને નેમીનભાઈને શરીરે આડેધડ ઢીકાપાટુનો માર માર્યો હતો. નેમીનભાઈએ રાડા-રાડ કરતાં તેમના મિત્રો જયેશ સુદાણી, કેવીન ભોજાણી અને જીગર દલસાણીયાએ આવીને તેમને વધુ મારથી છોડાવ્યા હતા.

ઝઘડો પત્યા બાદ ત્રણેય બાપ-દીકરાએ જતા-જતા નેમીનભાઈને ‘હવે પછી જો મારી દુકાન તરફ ફટાકડો આવશે, તો અમે તને જાનથી મારી નાખીશું’ તેવી ધમકી આપી હતી.

આ હુમલામાં નેમીનભાઈને શરીરે મૂંઢ ઈજા થતાં તેમના મિત્ર કેવીન ભોજાણી તેમને મોટરસાઇકલમાં જૂનાગઢની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યા હતા. ફટાકડાના મનદુઃખના કારણે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપનાર રસીકભાઈ તથા તેમના બંને પુત્રો સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button