જૂનાગઢમાં પતિએ પત્નીને ‘તું પેલા આહીરને રાખીને કેમ બેઠી છે?’ કહી તલવારથી હુમલો કર્યો…

જૂનાગઢઃ શહેરમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો હતો. પતિ-પત્ની વચ્ચે ખટરાગ હોવાથી બંને અલગ અલગ રહેતા હતા. પતિએ પત્નીના ઘરની પાસે જઈને તું પેલા આહીરને રાખીને કેમ બેઠી છો કહી તલવારથી હુમલો કર્યો હતો. જેમાં પત્નીને ગંભીર ઈજા પહોંચી હતી. બનાવના પગલે ચકચાર મચી ગઈ હતી.
મળતી વિગત પ્રમાણે, પતિ-પત્ની વચ્ચે લાંબા સમયથી અણબનાવ હતો. મહિલાના લગ્ન 2011માં થયા હતા. લગ્ન જીવનથી તેને એક પુત્રી અને એક પુત્ર થયો હતો. છેલ્લા ત્રણેક વર્ષથી દંપતીમાં અણબનાવ ચાલતો હતો. જેન કારણે બંને અલગ અલગ રહેતા હતા અને કોર્ટ કેસ પણ ચાલતો હતો.
બે દિવસ પહેલા મહિલાનો પતિ તેના ઘર પાસે આવ્યો હતો અને મોટેથી બૂમ પાડીને પૂછ્યું કે, ‘તું પેલા આહીરને રાખીને કેમ બેઠી છે?’ જેન લઈ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીએ હિંસક રૂપ ધારણ કર્યું હતું.
મહિલાના પતિએ ગાળો આપી હતી. તેમજ સાસુ અને નણંદ હાથમાં લાકડાનો ધોકો લઈને આવ્યા હતા અને માર્યો હતો. તેમજ ઢીકાપાટુનો મુંઢ માર માર્યો હતો. આ દરમિયાન પતિએ તલવાર કાઢીને મારવાનો પ્રયાસ કર્યો હતો.
જેથી તેના માતા વચ્ચે પડ્યા હતા અને હાથમાં રહેલો ધોકો આડો રાખ્યો હતો. જેથી તલવારનો ઘા લાગ્યો નહોતો. આ સમગ્ર ઘટના દરમિયાન આજુબાજુના લોકો ભેગા થઈ જતાં હુમલાખોરો વધુ મારી શક્યા નહોતા.
જે બાદ પતિએ પણ પત્ની, સાળા, સાસુ, કાકાજી સસરા સહિત અન્ય એક વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી હતી. રાત્રિના સાડા આઠ વાગ્યાના અરસામાં જ્યારે તેઓ પોતાના ઘર પાસે એક્ટિવા પર હતા, ત્યારે તેમની પત્ની , સાળો અને સાસુ ત્યાં આવ્યા હતા.
તેમને જોતાં જ પત્નીએ બૂમ પાડી કે, આજ આપણે આને પૂરો કરી નાખીએ. ત્યારબાદ સાળાએ લાકડાના ધોકાથી તેમને ફટકાર્યો હતો. જેમાં તેને ગંભીર ઈજા પહોંચી હતી. બંને પક્ષોએ એકબીજા પર હુમલો કરવા, મારપીટ કરવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના આરોપ લગાવ્યા હતા.