107 ગુનાઓમાં સંડોવાયેલા જૂનાગઢના ગુનેગારના આલિશાન બંગલો અને વૈભવી ફાર્મ હાઉસ પર બુલડોઝર ફર્યું

જૂનાગઢ: ગુરુવારના રોજ ૧૦૭ જેટલા ગુનાઓમાં સંડોવાયેલા જૂનાગઢના કારા રબારીના આલિશાન બંગલો ઉપર અને તેના વૈભવી ફાર્મ હાઉસ ઉપર બુલડોઝર ફેરવી ગેરકાયદે દબાણોને તોડી પાડીને સરકારી જમીનને દબાણમુક્ત કરવામાં આવી હતી.
રાજ્ય સરકારના ગુનાખોરી અને ગેરકાયદે દબાણ સામેના કડક અભિયાન હેઠળ આજે જૂનાગઢમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા કારા દેવરાજભાઇ રાડા રબારી (ઉ.વ. 50) દ્વારા સરકારી જમીન પર કરવામાં આવેલા ગેરકાયદે દબાણ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. આ આરોપીએ જૂનાગઢના લીરબાઇપરા ખાતે સર્વે નંબર-308માં 750 ચોરસ મીટરની જગ્યામાં આલીશાન બંગલો અને કેન્દ્રીય વિદ્યાલય નજીક સર્વે નંબર-397માં 35,000 ચોરસ મીટરની જગ્યામાં ફાર્મ હાઉસ ગેરકાયદે બનાવ્યું હતું, જેને જૂનાગઢ એસ.પી. સુબોધ ઓડેદરાની ટીમ દ્વારા તંત્રની મદદથી આજે તોડી પાડવામાં આવ્યું છે.
આ પણ વાંચો: જૂનાગઢના ટોપ બુટલેગર ધીરેન કારીયા વિરુદ્ધ GCTOC હેઠળ કડક કાર્યવાહી, 50 લાખની રોકડ જપ્ત
કારા રબારી સામે અત્યાર સુધીમાં કુલ 107 ગુનાઓ નોંધાયેલા છે, જેમાં 4 ખૂન, 3 ખૂનની કોશિશ, 4 અપહરણ, 10 લૂંટ, 6 પોલીસ ફરજમાં રૂકાવટ, 4 બળજબરીથી કઢાવી લેવું, 25 મારામારી, 46 પ્રોહિબિશન, 1 હથિયાર ધારા અને 4 અન્ય ગુનાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તેની સામે બે વખત પાસા હેઠળ કાર્યવાહી થઈ છે અને તેની ગેંગ સામે ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ હેઠળ પણ ગુનો નોંધાયો છે.