જૂનાગઢમાં ફટાકડાની તકરારમાં યુવકની હત્યાના બનાવમાં નિવૃત્ત PSIના પુત્ર સહિત ૫ આરોપી પકડાયા...
Top Newsજૂનાગઢ

જૂનાગઢમાં ફટાકડાની તકરારમાં યુવકની હત્યાના બનાવમાં નિવૃત્ત PSIના પુત્ર સહિત ૫ આરોપી પકડાયા…

જૂનાગઢ: દિવાળીના તહેવારની રાત્રે જૂનાગઢના મધુરમ બાયપાસ વિસ્તારમાં ફટાકડા ફોડવા બાબતે થયેલી સામાન્ય માથાકૂટે ખૂની સ્વરૂપ ધારણ કર્યું હતું. અમૂલ એપાર્ટમેન્ટના પાંચ જેટલા શખ્સોએ મેનેજર તરીકે નોકરી કરતા ૨૮ વર્ષીય યુવક યશ ચુડાસમાને લોખંડના પાઇપ અને લાકડી વડે જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો હતો. મૃતક યુવકની માતાએ પોલીસ સ્ટેશનમાં પાંચ આરોપીઓ સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનામાં નિવૃત્ત PSIના પુત્ર સહિત એક મહિલા અને એક જ પરિવારના ત્રણ સભ્યો સહિત કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી.

મળતી વિગતો અનુસાર, જૂનાગઢના રાજલક્ષ્મી એપાર્ટમેન્ટમાં રહેતા પુષ્પાબેન વિનોદભાઈ ચુડાસમા (ઉ.વ. ૫૫)એ ફરિયાદ નોંધાવી હતી કે, તેમના નાના દીકરા દિવ્યાંગ ઉર્ફે યશ (ઉ.વ. ૨૮), જે જીઓ ફાઈબરમાં મેનેજર તરીકે અને ગેરેજમાં પાર્ટનરશીપમાં કામ કરતો હતો, રાત્રે નણંદને ત્યાંથી પરત આવીને યશ તેના મિત્રો સાથે ફટાકડા ફોડવા માટે ગેરેજ પર ગયો હતો. આ દરમિયાન રાત્રીના સમયે યશ અને તેના મિત્રો ગેરેજ પાસે ફટાકડા ફોડી રહ્યા હતા. આ સમયે રોડની સામેની બાજુથી કોઈએ બોમ્બ યશના મિત્રના નાના દીકરાની એકદમ બાજુમાં ફેંકતા તે ફુટ્યો હતો. આ બાબતે યશે જોરથી બૂમ પાડીને અહીં ફટાકડા ન ફેંકવા જણાવ્યું હતું.

તુરંત જ સામેથી લાલ ટી-શર્ટ પહેરેલો એક વ્યક્તિ અને બીજો એક વ્યક્તિ આવીને યશ સાથે ગાળાગાળી અને ઝપાઝપી કરવા લાગ્યા હતા. યશના મિત્રોએ તેમને છોડાવ્યા હતા અને બંને વ્યક્તિઓ પાછા ફરી ગયા હતા. આ ઝપાઝપીમાં યશનો સોનાનો ચેઇન તૂટી ગયો હતો અને મામલે યશ રોડની સામેની બાજુએ ગયો હતો, જ્યાં મામલો વધુ બિચક્યો હતો. સામેની બાજુએ અગાઉના બે શખ્સો જેની ઓળખ રાજુ હુણ અને કેવલ જોષી તરીકે કરવામાં આવી હતી, તે ઉપરાંત એક ત્રીજી વ્યક્તિ યશ સાથે ઝઘડો કરી રહી હતી.

તેવામાં રામભાઈ બારડ અને તેમના પત્ની ત્યાં આવી ગયા હતા અને ગાળાગાળી કરવા લાગ્યા હતા. રામભાઈએ પોતાના દીકરા રામશીને લાકડી લાવવાનું કહેતા તે ઘરમાંથી લાકડી લઈ આવ્યો હતો અને લાકડી વડેયશના મિત્રો નિસિત વાઘેલા અને હર્ષ પરમારને તેમજ બાદમાં યશને માર માર્યો હતો રામભાઈની પત્નીએ યશને ધક્કો મારતા તે નીચે પડી ગયો હતો. આ તકનો લાભ લઈને રાજુ હુણ અને કેવલ જોષીમાંથી કોઈ એકે લોખંડના પાઇપ જેવા હથિયાર વડે દિવ્યાંગના ડાબા ખભામાં જીવલેણ ઘા કર્યો હતો.

યશને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જો કે ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. મૃતક યુવકની માતા પુષ્પાબેને સિવિલ હોસ્પિટલ પહોંચીને દીકરાની લોહીલુહાણ લાશ જોઈને બેહોશ જેવી સ્થિતિમાં આવી ગયા હતા. પુષ્પાબેનની ફરિયાદના આધારે, પોલીસે રામભાઈ બારડ, તેમના પત્ની, દીકરો રામશી, રાજુ હુણ અને કેવલ જોષી સહિત પાંચ વ્યક્તિઓ સામે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરીને નિવૃત્ત PSIના પુત્ર સહિત એક મહિલા અને એક જ પરિવારના ત્રણ સભ્યો સહિત કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી.

પોલીસે આ પાંચેય આરોપીઓને લઈ જઈ જે જગ્યા પર હત્યા કરવામાં આવી હતી તે જગ્યાનું રિ-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. રિ-કન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીઓને જોવા આવેલા મૃતક દિવ્યાંગ ચુડાસમાના પરિવારજનોએ ન્યાયની ઉગ્ર માંગ કરી હતી.

આ પણ વાંચો…જૂનાગઢમાં દિવાળીની રાત્રે ફટાકડાના વિવાદમાં યુવકની હત્યા, ત્રણની ધરપકડ

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button