જૂનાગઢના રત્ન કલાકારોને સરકારી સહાય ન મળતા હાલાકી

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ હીરા ઉદ્યોગમાં ગમા સમયથી મંદી જોવા મળે છે. મંદીને કારણે રત્ન કલાકારોની રોજગારી છૂટી ગઈ છે અને તેનો આર્થિક ભીંસનો સામનો કરી રહ્યા છે. આ કલાકારોને રાજ્ય સરકારે મદદ જાહેર કરી હતી, પરંતુ જૂનાગઢના લગભગ 2000 કરતા વધારે રત્ન કલાકારને સાતેક મહિના વીતી ગયા છતાં સહાયનો લાભ ન મળ્યો હોવાની ફરિયાદો થઈ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
હીરા ઉદ્યોગમાં મંદીના પગલે સરકારે 2025ના મે મહિનામાં મદદ જાહેર કરી હતી. જેમાં સંપૂર્ણપણે બેરોજગાર રત્ન કલાકાર હોય તો તેમના સંતાનોએ એક વર્ષની શિક્ષણ ફી માફ કરાશે, જેની રકમ વધુમાં વધુ રૂ. 13,500 નક્કી કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર રત્ન કલાકારોએ ફોર્મ ભરીને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ખાતે જમા કરવાના હતા, જેમાં જૂનાગઢ જિલ્લામાંથી કુલ 2,981 અરજી થઈ હતી. જેની ચકાસણી કર્યા બાદ સહાય મળવાની હતી, પરંતુ આ જાહેરાત થયાના સાતેક મહિના બાદ પણ બાળકોના શિક્ષણ માટેની મદદ મળી ન હોવાનું સૂત્રોએ જણા્વયું હતું.
આ અંગે કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક મળશે અને મદદ કરવામાં આવશે. સ્ટાફની અછત હોવાથી કામમાં થોડો વિલંબ થયો હોવાનું સ્થાનિક તંત્રએ જણાવ્યું હોવાનું અહેવાલ દ્વારા જાણવા મળ્યું હતું.


