
જૂનાગઢઃ આજકાલ સોશિયલ મીડિયાનો ઉપયોગ વધવા સાથે ઠગાઈના બનાવો પણ ખૂબ વધી ગયા છે. ઠગ લોકો ઊંચા અને ઝડપી વળતરની લાલચ આપીને લોકોને છેતરે છે. આવો જ બનાવ જુનાગઢ શહેરમાં સામે આવ્યો હતો. શહેરના શ્રીધરનગર સોસાયટીમાં રહેતા નિવૃત ફોરેસ્ટ અધિકારી ભીખુભાઈ પડશાલા સાયબર ઠગોના શિકાર બન્યા હતા. તેમણે ફેસબુક પર આવેલી ‘ઘરે બેઠા રોકાણ કરો અને ડોલરમાં કમાણી મેળવો’ એવી લોભામણી જાહેરાતની લિંક પર ક્લિક કરતાં 2.40 લાખ રૂપિયા ગુમાવ્યા હતા. ભીખુભાઈએ લિંક પર ક્લિક કર્યા બાદ તેમને હિન્દી ભાષામાં એક મહિલાનો ફોન આવ્યો હતો. ત્યારબાદ એક પુરુષે પણ ફોન કરી શેરબજારમાં રોકાણ કરવાથી ડોલરમાં મોટો નફો થવાની લાલચ આપી હતી.
વિશ્વાસ જીતવા માટે ભીખુભાઈએ પ્રથમ 17,000 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. કંપનીની વેબસાઇટમાં તેમને રોકાયેલી રકમ સામે ડોલરમાં નફો બતાવવામાં આવ્યો. આ રીતે વિશ્વાસ જીત્યા બાદ ઠગોએ અલગ-અલગ બેંક ખાતાઓમાં ₹40,000, ₹60,000 અને ₹85,000 જેવી રકમો ટ્રાન્સફર કરાવી લીધી હતી.
આ પણ વાંચો: સાયબર સેલના અધિકારીના સ્વાંગમાં બૅંકની નિવૃત્ત મહિલા કર્મચારી સાથે લાખોની ઠગાઈ
થોડા સમય બાદ ભીખુભાઈને જણાવવામાં આવ્યું કે તેમના નામે $14,000 જમા થયા છે. પરંતુ આ રકમ ઉપાડવા માટે વધુ પૈસા જમા કરાવવાની જરૂર છે. જ્યારે ભીખુભાઈએ વધુ પૈસા જમા ન કરાવ્યા, ત્યારે ઠગોએ તેમના કોઈ પણ મેસેજ કે ફોનનો જવાબ આપવાનું બંધ કરી દીધું હતું. પોતે સાયબર ઠગોનો શિકાર બન્યા છે તેની સમજ આવ્યા બાદ ભીખુભાઈએ જૂનાગઢના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
સોશિયલ મીડિયા ઠગાઈથી બચવા શું કરવું?
અજાણ્યા લિંક પર ક્લિક ન કરો: કોઈ પણ અજાણ્યા સોર્સ કે શંકાસ્પદ મેસેજમાં આવેલી લિંક પર ક્લિક કરવાનું ટાળો.
વ્યક્તિગત માહિતી શેર ન કરો: બેંક ખાતાની વિગતો, પાસવર્ડ, OTP, આધાર નંબર જેવી સંવેદનશીલ માહિતી ક્યારેય કોઈની સાથે શેર ન કરો, ભલે તે વ્યક્તિ તમારી ઓળખીતી કે સંસ્થાના નામે માંગે.
શંકાસ્પદ પ્રોફાઈલથી સાવધાન રહો: જો કોઈ પ્રોફાઈલ નવી હોય, બહુ ઓછા મિત્રો હોય અથવા વિચિત્ર પોસ્ટ્સ કરતી હોય, તો તેના પર વિશ્વાસ ન કરો.
પૈસાની માંગણી પર ધ્યાન આપો: જો કોઈ મિત્ર કે પરિવારજન અચાનક પૈસા માંગે, તો સૌ પ્રથમ તેમને ફોન કરીને કે રૂબરૂ મળીને ખાતરી કરી લો.
લોભામણી ઓફરોથી બચો: જો કોઈ ઓફર અતિશય આકર્ષક કે “ખૂબ જ સારી” લાગતી હોય, તો મોટાભાગે તે છેતરપિંડી હોય છે.
આ પણ વાંચો: ભારતમાં સાયબર ફ્રોડનો કાળો કેર: ₹ 22,811 કરોડની ઠગાઈ, 19 લાખ કેસ
પ્રાઈવસી સેટિંગ્સ અપડેટ રાખો: તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સના પ્રાઈવસી સેટિંગ્સ નિયમિતપણે તપાસો અને તેમને સુરક્ષિત રાખો.
ડબલ-ચેક કરો: જો કોઈ કંપની કે સંસ્થાના નામે મેસેજ કે ફોન આવે, તો તેમની સત્તાવાર વેબસાઈટ પરથી નંબર મેળવીને સંપર્ક કરો.