શિવરાત્રીના મેળા પૂર્વે જ ગિરનારની તળેટીમાં ધિંગાણું: ત્રિશૂળ અને ચીપિયા સાથે અજાણ્યા સાધુઓનો હુમલો…

જૂનાગઢ: થોડા જ દિવસમાં જૂનાગઢમાં ભવનાથમાં શિવરાત્રીના મેળાનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે, ત્યારે ભવનાથ વિસ્તારમાં આશ્રમની જગ્યા બાબતે સાધુઓ વચ્ચે હિંસક ઝપાઝપી થઈ હોવાની ઘટના સામે આવી છે. આ અંગે ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે, તેની વિગતો મુજબ, ભારત આશ્રમ પાસે આવેલી બાલક સાહેબની જગ્યામાં રહેતા ગુલાબદાસ પઢીયાર અને અજાણ્યા સાધુઓ વચ્ચે વિવાદ વકરતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો.
પોલીસ ફરિયાદની વિગતો અનુસાર, ફરિયાદી પોતાની માલિકીની ખુલ્લી જગ્યામાં અન્નક્ષેત્ર અને સંતવાણીનો કાર્યક્રમ યોજવા માંગતા હતા. આ માટે જ્યારે તેઓ પરિવારના સભ્યો અને સેવક વિનોદભાઈ સાથે જગ્યાની સાફ-સફાઈ કરવા ગયા, ત્યારે ત્યાં ધૂણો ધખાવીને બેઠેલા અજાણ્યા સાધુઓએ રસ્તો રોકી તેમની સાથે માથાકૂટ શરૂ કરી હતી. સાધુઓએ ગાળાગાળી કરી ગુલાબદાસનો કોલર પકડી ઝાપટો મારી હતી, તેમજ વચ્ચે છોડાવવા પડેલા તેમના ભાઈ ભગવાનદાસ સાથે પણ મારપીટ કરી હતી.
આ ઝઘડા બાદ સાધુઓ ટોળું વળીને ફરિયાદીના ઘરે પહોંચ્યા હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. સાધુઓના હાથમાં ચીપિયો અને ત્રિશૂળ જેવા હથિયારો હતા અને તેમણે પરિવારના સભ્યોને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ દરમિયાન ફરિયાદીનો હાથ મરડી ફરીથી હુમલો કરવામાં આવ્યો હતો. જોકે, પરિવારજનો અને સેવકો ભેગા થઈ જતા સાધુઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો પણ મોબાઈલમાં કેદ કરવામાં આવ્યો છે.
જો કે હદ તો ત્યારે થઈ જ્યારે ફરિયાદી અને તેમના ભાઈ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવા જઈ રહ્યા હતા, ત્યારે સાધુઓએ તેમને ફરીથી આંતર્યા હતા અને પીઠના ભાગે પથ્થર મારી ઈજા પહોંચાડી હતી. આ હુમલામાં ભભૂત લગાવેલા એક સાધુએ પણ મારપીટ કરી હતી. હાલમાં ભવનાથ પોલીસે ફરિયાદના આધારે બંને અજાણ્યા સાધુઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



