
જૂનાગઢ: સૌરાષ્ટ્રના રાજકારણમાં જેની છાપ એક દિગ્ગજ નેતા તરીકેની છે તેવા જવાહર ચાવડા ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. તેમણે સોશિયલ મીડિયામાં મૂકેલા એક વીડિયોની હાલ સર્વત્ર ચર્ચા થઈ રહી છે. છેલ્લા ઘણા સમયથી ભાજપથી રૂસણા લીધા બાદ તેમણે હવે બેરોજગારીના મુદ્દાને સામે લાવવા માટે ‘રોજગાર સહાયતા અભિયાન’ શરૂ કર્યું છે. આ વિષય પર તેમણે સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કરીને પોતાના મનની વાત રાખી છે.
જવાહર ચાવડાએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કરેલા વીડિયોમાં તેઓ કહી રહ્યા છે કે, “નમસ્કાર, આજે આપ સૌની સમક્ષ, મારે યુવા અને બેરોજગાર ભાઈઓ તથા બહેનો સાથેના છેલ્લા આઠ મહિનાના સંવાદનો સાર, અભિપ્રાયો અને પીડાઓને મૂકું છું. મારા પ્રવાસ દરમિયાન એમને કરેલી રજૂઆતો અને તેમના દુઃખો મોટાભાગે આ છે.
તેમણે આગળ વાત કરી હતી કે, “બેરોજગારી દરેક વર્ગ, સમાજ, જાતિ અને વિસ્તારમાં છે. સરકારી વિભાગોમાં પણ અનેક સમસ્યાઓ છે અને સંકલનનો અભાવ છે. કે સુચારું વ્યવસ્થા નથી, મોટી કંપનીમાં પણ સ્થાનિક લોકોને રોજગારી આપવામાં સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે. તે ઉપરાંત ઓરમાયું વર્તન કરવામાં આવે છે, વારંવાર પપર લીક અને પસંદગીની ખોટી પદ્ધતિઓથી યુવાનોમાં આક્રોશ અને હતાશાની લાગણી ફેલાઈ છે. આવા નાના મોટા અનેક પ્રશ્નો રોજગારને લગતા છે, જેને લઈને આપણી યુવા પેઢી મહેનતી અને હોશિયાર હોવા છતાં બેરોજગાર છે. આ પ્રશ્ન આપણને સમાન રીતે સ્પર્શે છે. આ સામાજિક જવાબદારી છે. જે આપણે સૌ ક્યાંક નિષ્ફળ ગયા છીએ, જે ભૂલને સ્વીકારીને સુધારવી પણ જરૂરી છે. “
અંતે તેમણે વીડિયોમાં કહ્યું હતું કે “મારી આપ સૌને વિનંતી છે કે આ આ રોજગાર સહાયતા અભિયાનમાં દરેક રોજગાર યુવાનના હિતમાં હોય તો આ મુદ્દાને ગંભીરતાથી લેવો અનિવાર્ય છે, આપના પરિભાવો અપેક્ષિત છે. આપનો આભારી જવાહર ચાવડા.”
અગાઉ પણ આવ્યા હતા ચર્ચામાં
આ પૂર્વે જવાહર ચાવડા 2024ની લોકસભા ચૂંટણીના સમયે પણ એક વિડીઓ શેર કર્યો હતો, જેમાં જવાહર ચાવડાએ ભાજપનો લોગો હટાવીને નીચે મશાલ લઈને ઉભેલા માણસનું ચિત્ર બતાવીને પોતાને એક ક્રાંતિકારી નેતા ગણાવ્યા હતા. તેમણે વિડીઓમાં મનસુખ માંડવિયાને સંબોધીને કરેલા કામોની યાદી ગણાવી હતી અને કહ્યું હતું કે જો તમારામાં હિંમત હોત તો ચૂંટણી દરમિયાન બોલ્યા હોત.
જો કે આ મુદો પોરબંદર બેઠકથી ચૂંટણી જીતેલા મનસુખ માંડવિયાના વાકબાણ બાદ ઉઠ્યો હતો. કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયેલા જવાહર ચાવડા પર માણાવદરના ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીને હરાવવાના આરોપ લાગ્યા હતા. જો કે આ બાદ મનસુખ માંડવિયાએ નિવેદન આપતા કહ્યું હતું કે ભાજપનો સિમ્બોલ લઈને ફરતા લોકોએ કામ કરવું જોઈએ. ચૂંટણી સમયે ઘણા લોકોએ પૂછ્યું હતું કે રિસાયેલા લોકોનું શું કરશું ? ત્યારે કાર્યકારોએ કહું દીધું હતું કે લડી લેશું અને તમે બધાએ લડી લેશું.



