વિસાવદર પેટાચૂંટણી બાદ જવાહર ચાવડા સક્રિય થતાં અનેક તર્કવિતર્ક

જૂનાગઢઃ વિસાવદર પેટાચૂંટણી બાદ પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા ફરીથી સક્રિય થતાં જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. ઘણા લાંબા સમયથી નિષ્ક્રિય રહેલા જવાહર ચાવડાએ વિસાવદર, વંથલી, માણાવદરમાં બેઠકો શરૂ કરી હતી. તેમણે અહીં સ્થાનિક આગેવાનો સાથે સામાજિક અને રાજકીય ચર્ચાઓ કરી રજૂઆત સાંભળી હતી.
આ ઉપરાંત વિસાવદર તાલુકાના વડાળા દાદર મુનિયા લેરીયા, લાલપર વેકરીયા જેતલવર ઘોડાસણ જાંબુડા પિયાવા અને રામપરા સહિતના ગામોના દરેક સમાજના અગ્રણીઓ આગેવાનો સાથે મુલાકાત કરી હતી. જાંબુડા ગામે આયોજિત આહીર સમાજના કાર્યક્રમમાં તેમણે કહ્યું, આ વિસ્તારમાં જે બન્યું તેના કારણે તમે સંગઠિત થયા છો અને સંગઠનની તાકાત પહેલીવાર જોવા મળી છે.
આપણ વાંચો: વિસાવદર પેટાચૂંટણી: બુથ કેપ્ચરિંગની ફરિયાદ બાદ 2 બુથ પર થયું પુનઃ મતદાન, સરેરાશ 80 ટકાથી વધુ મતદાન
હું ક્યાંક હોઉં તો લોકો કહે ‘કોણ જવાહર ચાવડા?’ તો જવાબ મળે ‘આહીર સમાજ, પેથલજી બાપાના દીકરા. મારી ઓળખ તમે છો. મારે કોઈ રાજકીય લાભ નથી, પરંતુ ઈચ્છું છું કે સમાજ ભેગો રહે, સંગઠિત થાય અને આગળ વધે.
ઉલ્લેખનીય છે કે, જવાહર ચાવડા ગુજરાતના રાજકારણમાં એક સક્રિય અને મહત્વપૂર્ણ ચહેરો છે. હાલમાં તેઓ ભારતીય જનતા પાર્ટી ના સભ્ય છે. અગાઉ તેઓ કોંગ્રેસમાં હતા. તેઓ જૂનાગઢ જિલ્લાના માણાવદર મતવિસ્તારમાંથી ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા અને કેબિનેટ મંત્રી પણ બન્યા હતા.
વિજય રૂપાણીના પ્રધાન મંડળમાં તેમને પ્રવાસન પ્રધાન તરીકે સ્થાન મળ્યું હતું. ફેબ્રુઆરી 2025 માં, ગુજરાત હાઈ કોર્ટે તેમની સામે 2018 માં કોંગ્રેસના ધારાસભ્ય તરીકેના વિરોધ પ્રદર્શન સંબંધિત એફઆઈઆર રદ કરવાનો ઇનકાર કર્યો હતો.