જૂનાગઢમાં પત્ની અને પત્નીના પ્રેમીની ધમકીઓથી કંટાળીને પતિએ જીવન ટૂંકાવ્યું…

જૂનાગઢઃ આત્મહત્યા કોઈ સમસ્યાનું સામાધાન નથી છતાં પણ રાજ્યમાં આત્મહત્યાની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે, જે ચિંતાની વાત છે. પત્ની તેના પ્રેમી સાથે મળીને વારંવાર ફોન અને મેસેજ કરીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતી હોવાથી જૂનાગઢમાં રહેતા પતિએ પોતાનું જીવન ટૂંકાવી દીધું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. પતિએ આત્મહત્યા કરતા પહેલા સુસાઈડ નોટ લખી હતી, જેમાં આ આત્મહત્યાનું કારણ પણ લખ્યું હતું. ખાસ કરીને વાત કરવામાં આવે તો સમગ્ર ઘટનાને લઈને દીકરાએ તેની માતા દક્ષા અને પ્રેમી શ્યામ શાહ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે પણ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
મૃતકે પત્ની દક્ષા અને તેના પ્રેમીને જવાબદાર ઠેરવ્યા
ઘટનાની વાત કરવામાં આવે તો જૂનાગઢના બંથલી રોડ પર વાડલા ક્રોસિંગ પાસે દીપક અગ્રાવત નામના વ્યક્તિએ આત્મહત્યા કરી હતી. પોલીસ તપાસ પ્રમાણે મૃતકે ઝેરી દવા પીને આત્મહત્યા કરતા પહેલા એક સુસાઈડ નોટ પણ લખી હતી જેમાં તેણે પોતાની મૃત્યુ માટે તેની પત્ની દક્ષા અને તેના પ્રેમી શ્યામ શાહને જવાબદાર ઠેરવ્યા હતા.
મૃતક દીપક અગ્રાવતની પત્ની દુબઈમાં કેરટેકર તરીકે કામ કરે છે, અને તેનું અમદાવાદના શ્યામ શાહ નામના વ્યક્તિ સાથે પ્રેમ પ્રકરણ પણ ચાલે છે. આ સમગ્ર વાતની જાણ દીપકને થઈ ગઈ હતી. દીપકે તેની પત્નીને વારંવાર સમજાવી પણ હતી પરંતુ તેની પત્ની માનવા માટે તૈયાર નહોતી અને ફરી પાછી દુબઈ જતી રહી હતી.
મૃતકના દીકરા બન્ને સામે પોલીસ ફરિયાદ નોંધાવી
દીપકની પત્ની અને અમદાવાદમાં રહેતો તેનો પ્રેમી શ્યામ શાહ દીપકને વારંવાર માનસિક ત્રાસ આપતા હતા, એટલું જ નહીં, પણ અનેક વખત ફોન કરીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા હતી. મૃતક દીપકે સુસાઈડ નોટમાં લખ્યું કે હું આત્મહત્યા કરૂ તે પહેલા પણ આ બન્નેનો કોલ આવ્યો હતો અને મને મારી નાખવાની ધમકી આપી હતી. જેનું રેકોર્ડિંગ કર્યું હોવાનું પણ લખ્યું છે. નોંધનીય છે કે, મૃતકના દીકરા મોહિત અગ્રાવતે માતા દક્ષા અને શ્યામ શાહ આ બન્ને સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. હવે પોલીસ આ મામલે કેવી કાર્યવાહી કરે છે જોવાનું છે. મૃતકે તો સુસાઈડ નોટમાં દરેક પુરાવા હોવાનો ઉલ્લેખ કર્યો છે, બાકી આ પોલીસ તપાસનો વિષય છે.
આપણ વાંચો : સૌરાષ્ટ્રમાં જૂનાગઢ જિલ્લો બની રહ્યો છે ‘કેન્સર કેપિટલ’: પ્રશાસન બન્યું સતર્ક