કેશોદના રંગપુર ગામે પ્રેમલગ્ન કરનાર યુવક પર યુવતીના પરિવાર દ્વારા જીવલેણ હુમલો…

જૂનાગઢ: જિલ્લાના કેશોદ તાલુકાના રંગપુર ગામે ચોંકાવનારી ઘટના સામે આવી હતી. પ્રેમલગ્ન કરનાર યુવક પર યુવતીના પરિવાર દ્વારા લોખંડના પાઈપ અને લાકડીઓ વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ત્રણ મહિલા સહિત 10 જેટલા લોકોએ યુવકને ઘરમાં પુરીને માર માર્યો હતો. યુવકને માર મારી પીઠ લાલ કરી નાખ્યાનો ગંભીર આક્ષેપ કર્યો હતો.
આ ઘટનામાં યુવકને બચાવવા ગયેલા અને તેનો વીડિયો ઉતારવાનો પ્રયાસ કરનાર એક સગીરને પણ માર મારવામાં આવ્યો હતો. બંને ઈજાગ્રસ્તોને હાલ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મળતી વિગત પ્રમાણે, યુવકે રંગપુરની એક પટેલ યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા છે. સાતમ-આઠમના તહેવાર નિમિત્તે તે રાજકોટથી પોતાના ગામ રંગપુર આવ્યો હતો. જ્યારે તે બપોરના સમયે પોતાના બાળકો માટે બજારમાંથી આઈસ્ક્રીમ લઈને પાછો ફરી રહ્યો હતો ત્યારે યુવતીના પરિવારજનોએ તેને રસ્તામાં રોક્યો હતો. પહેલા ત્રણ લોકોએ લોખંડના પાઈપથી તેના પર હુમલો કર્યો અને તેને નીચે પછાડી દીધો હતો.
ત્યાર બાદ લગભગ 8થી 10 લોકો જેમાં બે મોટી ઉંમરના વ્યક્તિ, સાત-આઠ યુવક અને ત્રણ મહિલાએ મળીને તેને ઘરમાં પૂરીને ઢોર માર મારવા લાગ્યા હતાં. માર માર્યા બાદ તેને બહાર કાઢી મૂકવામાં આવ્યો હતો. આ સાથે ધમકી આપવામાં આવી હતી કે, જ્યારે ફરી ભેગો થશે ત્યારે ફરી માર મારશે.
આ ઘટના સમયે નજીકથી પસાર થતો એક સગીર ત્યાં રોકાયો હતો અને તેણે 6થી 7 લોકોને એક યુવકને મારતા જોઈ ઘટનાનો વીડિયો બનાવવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે હુમલાખોરો લાકડી લઈને તેની પાછળ પણ દોડ્યા હતા. બાદમાં જ્યારે તે પોતાની ગાડીની ચાવી લેવા ફરી ત્યાં ગયો ત્યારે તેને અને તેના કાકાને પણ માર મારવામાં આવ્યો હતો