સાસણ ગીરમાં જે વનરાજને જોવા જાઓ છો તેનો આટલો રસપ્રદ ઈતિહાસ છે તે જાણો છો?

જુનાગઢઃ સમગ્ર વિશ્વમાં માત્ર સૌરાષ્ટ્રના સાસણ ગીરમાં એશિયાટિક સિંહો જોવા મળે અને આ સ્થળ પર્યટકોને ખૂબ પ્રિય છે ત્યારે આવનારા મે મહિનાની 10મી તારીખથી અહીં ત્રણ દિવસમાં બે તબક્કામાં સિંહોની ગણતરી થવાની છે. ત્યારે સૌરાષ્ટ્રની શાન સમા આ સાવજોનો ભારતમાં આવવાનો ઈતિહાસ ઘણો રસપ્રદ છે.

હજારો વર્ષો પહેલા હિમ યુગ દરમિયાન મધ્ય યૂરોપમાંથી સિંહની ઉત્પત્તિ થઈ હતી. આ હિમ યુગની સમાપ્તિ પછી ત્યાં ગાઢ જંગલો ઊગી નીકળતા સિંહ દક્ષિણ-પૂર્વ અને ઉત્તર-પશ્ચિમ એશિયા તરફ આગળ વધ્યો. ત્યાંથી આ સિંહ પેલેસ્ટાઇન અને ઈજિપ્તથી આફ્રિકા થઈને ભારત તરફ આગળ વધ્યો હતો. તેનો જનીનિક અભ્યાસ દર્શાવે છે કે, એશિયાટિક અને આફ્રિકન સિંહ ૫૫ હજાર અને ૧ લાખ વર્ષ પહેલા છૂટા પડ્યા હતા.
નિષ્ણાતોના મંતવ્યાનુસાર સિંહ, ઇ.સ. ૬ હજાર વર્ષ પૂર્વે ઉત્તર-પશ્ચિમ માર્ગ મારફતે ભારતમાં પ્રવેશ્યો હતો. પરંતુ સિંધ અને બલૂચિસ્તાન નજીકની સિંધુ ખીણની સંસ્કૃતિના ખોદકામ દરમિયાન કેટલીક સાબિતીઓ એવું દર્શાવે છે કે સિંહ ભારતીય ઉપખંડમાં ઇ.સ.ના ૩૦ લાખ વર્ષ પૂર્વે પ્રવેશ્યો હતો. ઈસુના ૬૦૦ વર્ષ પૂર્વે બુદ્ધના સમયમાં સિંહ સમગ્ર સિંધુ-ગંગાના મેદાનોમાં જોવા મળતો હતો, જે પશ્ચિમમાં સિંધથી માંડી પૂર્વમાં બંગાળ સુધી તેમજ ઉત્તરમાં હિમાલયની તળેટી સુધી અને દક્ષિણે નર્મદા સુધી તેની હદ હતી.

ગુજરાતનાં સૌરાષ્ટ્રમાં સિંહ ક્યારે આવ્યો તે ચોક્કસપણે કહી શકાય તેમ નથી. ભૂતકાળમાં હજારો વર્ષ પહેલાં, સૌરાષ્ટ્ર ચોમેર પાણીથી ઘેરાયેલું હતું અને અરબી સમુદ્રની ભુજાઓ જેવા ખંભાતનો અને કચ્છના બંને અખાત છીછરા પાણીથી એકબીજા સાથે જોડાયેલા હતા. મોટેભાગે જ્યારે આ છીછરા પાણીમાં માટીનું પુરાણે થયું હશે અને ભાલ અને નળ સરોવર પારો ક્ષારીય માર્ગ બન્યો હશે ત્યારે તે રસ્તે સિંહ સૌરાષ્ટ્રમાં પ્રવેશ્યો હશે. સૌથી જૂનામાં જૂની અપરોક્ષ સાબિતી ચંદ્રગુપ્ત બીજાની છે, તેણે જ્યારે માળવાના શક અને કાઠીયાવાડ પર વિજય મેળવ્યો ત્યારે તેણે સુવર્ણમુદ્રા પર સિંહના શિકાર કરતી છાપ અંકિત કરાવી અને જાણીતું સિંહવિક્રમ ચાલુ કર્યું હતું.
આપણ વાંચો : સિંહોની સંખ્યા જ એટલી છે કે જંગલ પડે છે નાનુંઃ રહેણાંક વિસ્તારોમાં ઘુસી જવાનું આ છે કારણ…