કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરનું સમાપન: રાહુલ ગાંધીએ વર્ચ્યુઅલી દોઢ કલાક ચર્ચા કરી

જૂનાગઢઃ ગિરનાર તળેટીમાં યોજાયેલી કોંગ્રેસની 10 દિવસીય પ્રશિક્ષણ શિબિરનું સમાપન થયું હતું. આ શિબિરમાં રાજ્યના તમામ નવનિયુક્ત જિલ્લા અને શહેર પ્રમુખોને પક્ષની વિચારધારા, કાર્યપદ્ધતિ અને આગામી વ્યૂહરચના અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ શિબિરના સફળ સમાપન બાદ કોંગ્રેસે લોકો વચ્ચે જઈને તેમના પ્રશ્નોને વાચા આપવાનો સંકલ્પ લીધો હતો.
રાહુલ ગાંધી વર્ચ્યુઅલી જોડાયા
શિબિરના અંતિમ દિવસે રાહુલ ગાંધીએ વર્ચ્યુઅલી જોડાઈને લગભગ દોઢ કલાક સુધી તમામ શિબિરાર્થીઓ સાથે ચર્ચા કરી અને માર્ગદર્શન આપ્યું હતું. આ 10 દિવસ દરમિયાન અલગ-અલગ વિષયોના નિષ્ણાતો અને કોંગ્રેસના મહાનુભાવો દ્વારા જિલ્લા પ્રમુખોને સંગઠન મજબૂત કરવા માટેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
અમિત ચાવડાએ શું કહ્યું
શિબિરના સમાપન બાદ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, આ સંત અને સુરાઓની પાવન ભૂમિ જૂનાગઢમાં યોજાયેલી પ્રશિક્ષણ શિબિર સંપન્ન થઈ છે. આ શિબિરમાં જે માર્ગદર્શન મળ્યું છે, તેના આધારે સૌએ સાથે મળીને એક રોડમેપ તૈયાર કર્યો છે. હવે અમે ગુજરાત અને ગુજરાતીઓ માટે, તેમના પ્રશ્નો અને સમસ્યાઓ માટે લોકોની વચ્ચે જઈને કામ કરીશું. અમિત ચાવડાએ વધુમાં કહ્યું હતું કે, અમે એવો સંકલ્પ વ્યક્ત કર્યો છે કે જ્યાં પણ સરકાર દ્વારા અન્યાય, અત્યાચાર, ભેદભાવ કે ગેરવહીવટ થતો હશે, તે મુદ્દાઓને અમે ઉજાગર કરીશું.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા રાહુલ ગાંધી આવ્યા ત્યારે તેમણે કેટલીક મહત્ત્વના સૂચનો કર્યા હતા. તેમના દ્વારા જણાવવામાં આવેલી વાત પર અમલ કરવામાં આવે તો 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસને કાંટાની ટક્કર આપી શકે છે. રાહુલ ગાંધીએ નેતાઓને મતભેદ ભૂલીને મજબૂતીથી કામ કરવાની અપલી કરી હતી. રાહુલ ગાંધીનું પૂરું જોર લોકોને કોંગ્રેસની વિચારધારાથી માહિતગાર કરાવવા પર હતું.
ગુજરાતમાંથી કોંગ્રેસ સંગઠન સૃજન અભિયાનની શરૂઆત કર્યા બાદ 31 મે સુધીમાં ગુજરાતના સંગઠનની રચના કરવાની જાહેરાત કરી હતી, જોકે અંતે કોંગ્રેસે 20 દિવસ મોડી એટલે કે 21 જૂન, 2025ના રોજ શહેર અને જિલ્લા-પ્રમુખોની વરણી કરી હતી. જેમાં 10 પૂર્વ ધારાસભ્ય અને 1 પૂર્વ સાંસદને પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.