સરકારી મગફળી બિયારણ બારોબાર વેચતા ઝડપાયુંઃ ખેડૂતોના નામે વેચાણનો પર્દાફાશ

જૂનાગઢ: ભેસાણ તાલુકામાં સરકારે આપેલું મગફળીનું બિયારણ બારોબાર વેચાઈ ગયું હોવાનો પર્દાફાશ થયો હતો. જૂનાગઢના પરબ રોડ પર આવેલી ખોડિયાર એન્ટરપ્રાઇઝ નામની ખાનગી પેઢીમાં 30થી વધુ ગુણી મફત મગફળી બિયારણનો જથ્થો ઝડપાયો હતો.
આ બિયારણ રાષ્ટ્રીય બીજ નિગમ લિમિટેડની થેલીમાંથી કાઢી અન્ય થેલીઓમાં ભરી બારોબાર વેચવા માટે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે મોકલવામાં આવ્યું હતું, જ્યાં પહોંચતા સરકારી યોજનામાં મોકલાયેલા મગફળીના બિયારણની ખાલી થેલીઓ પણ આ ગોડાઉનમાં જોવા મળી હતી.
આ પણ વાંચો: મગફળીનો પણ રાહત પેકેજમાં સમાવેશ કરવા સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે માંગ કરી
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સરકાર દ્વારા અપાતું બિયારણ પ્લાસ્ટિકના પેકિંગમાં આવે છે, જેને બદલીને બારદાનમાં ભરીને ગોંડલ મોકલવામાં આવ્યું હતું. ખેડૂતોના 7/12 પરથી સહીઓ કરાવી સરકાર પાસેથી મફત બિયારણ મેળવ્યા બાદ, તેને વાવેતર કરવાને બદલે બારોબાર વેચી નાખવાનું કાવતરું ઝડપાયું હતું.
આ ઉપરાંત સૂત્રોએ એમ પણ કહ્યું કે ખેડૂત ઉત્પાદક કંપની દ્વારા ખેડૂતોને બિયારણ અહીંથી આપી દેવામાં આવે છે છતાં પણ જો કોઈ ખેડૂત આ બિયારણ વેચે તો તે ગુનેગાર બને છે. આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે. ખેડૂતોને સરકાર દ્વારા આપવામાં આવતું બિયારણ ખેડૂતો બારોબાર વેચે છે તે જરાય પણ વ્યાજબી નથી.