
જૂનાગઢઃ વિસાવદરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકાયું હતું. જામનગર બાદ હવે જૂનાગઢના માળિયાહાટીનામાં જૂતું ફેંકાયું હતું. આપની ખેડૂત સભામાં ગોપાલ ઈટાલિયા સંબોધન કરતા હતા ત્યારે આ ઘટના બની હતી. સદનસીબે જૂતું ગોપાલ ઈટાલિયાના પગમાં વાગ્યું હતું. સભામાં હાજર વ્યક્તિ બીજીવાર જૂતું ફેંકવા જતો હતો ત્યારે તેને પકડી લીધો હતો.
આ ઘટના બાદ પણ ગોપાલ ઈટાલિયાએ સંબોધન શરૂ રાખ્યું હતું. તેમણે રાજકીય ઈશારે આવા કૃત્યો કરાતા હોવાનો આરોપ લગાવ્યો હતો. ઉપરાંત તેમણે કહ્યું, અમે એવું તે શું ખોટું કર્યું છે કે દરેક સભામાં આવું કૃત્ય થાય છે. ફોન આવે પછી આવી પ્રવૃત્તિ કરવામાં આવે છે.
ડિસેમ્બર 2025માં પણ ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર જામનગરમાં યોજાયેલી જાહેર સભા દરમિયાન જૂતું ફેંકવામાં આવ્યું હતું. ગોપાલ ઈટાલિયા ભાષણ આપી રહ્યા હતા ત્યારે અણધારી ઘટનાને પગલે સભામાં ભારે ખળભળાટ મચી ગયો હતો. પોલીસે તુરંત કાર્યવાહી કરીને જૂતું ફેંકનાર વ્યક્તિ છત્રપાલસિંહ જાડેજાની અટકાયત કરી લીધી હતી.
ઘટના બાદ તરત જ જૂતું ફેંકનાર વ્યક્તિ છત્રપાલસિંહ જાડેજાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોમાં તેણે કબૂલ્યું હતું કે તેણે જૂતું ફેંકીને પૂર્વ ગૃહ રાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાનો બદલો લીધો છે. છત્રપાલસિંહે જણાવ્યું કે ગોપાલ ઇટાલિયાએ જે-તે સમયે પ્રદિપસિંહ પર જૂતું ફેંક્યું હતું અને આજે તેને મોકો મળતા તેણે આ કાર્ય કર્યું છે.
આ પણ વાંચો…મુખ્ય પ્રધાનને રજૂઆત કરવા આવેલા ગોપાલ ઈટાલિયાને ભાજપ સરકારના ક્યા ટોચના પ્રધાન ભેટી પડ્યા ?



