આ વર્ષે નહીં યોજાય ગિરનારની લીલી પરિક્રમા, જાણો શું છે કારણ | મુંબઈ સમાચાર
Top Newsજૂનાગઢ

આ વર્ષે નહીં યોજાય ગિરનારની લીલી પરિક્રમા, જાણો શું છે કારણ

જૂનાગઢઃ ગિરનારમાં અગિયારસથી શરૂ થતી લીલી પરિક્રમાને ભારે વરસાદના કારણે સ્થગિત કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર સહિત જૂનાગઢમાં પડી રહેલા ભારે વરસાદના કારણે 36 કિલોમીટરનો પરિક્રમા રૂટ સંપૂર્ણપણે બિસ્માર અને કાદવ-કીચડથી ભરપૂર બની ગયો હતો, જેના પગલે સામાન્ય શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની સુવિધા તેમજ સલામતીને ધ્યાને રાખીને આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો.

લીલી પરિક્રમા સ્થગિત રાખવાનો કેમ લેવામાં આવ્યો નિર્ણય

મળતી માહિતી મુજબ, છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા વરસાદના કારણે પરિક્રમાનો સમગ્ર માર્ગ ખરાબ રીતે ધોવાઈ ગયો હતો અને અનેક જગ્યાએ રસ્તો બિસ્માર બની ગયો હતો. આ રૂટ પર પગપાળા ચાલવું અત્યંત જોખમી બની શકે તેમ હોવાથી, જ્યાં સુધી વરસાદની સ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી પરિક્રમા સ્થગિત રાખવાનો નિર્ણય લેવાયો હતો. લીલી પરિક્રમાને સ્થગિત કરવા અંગેનો આખરી નિર્ણય વહીવટી તંત્ર અને ગિરનારના સાધુ-સંતો વચ્ચે યોજાયેલી સંયુક્ત બેઠક બાદ લેવામાં આવ્યો હતો. જેમાં શ્રદ્ધાળુઓના જીવનું જોખમ લેવું યોગ્ય નથી તેમ સર્વસંમતિથી નક્કી કરવામાં આવ્યું હતું.

સાધુ-સંતો કરશે પ્રતિકાત્મ પરિક્રમા

પરિક્રમા સ્થગિત થવા છતાં, સનાતન ધર્મની પરંપરા અને ધાર્મિક વિધિ જાળવી રાખવા માટે સાધુ-સંતો દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવાયો હતો. સાધુ-સંતો દ્વારા પ્રતિકાત્મ પરિક્રમા કરવામાં આવશે. પરંપરાનો લોપ ન થાય તે માટે આજે મુહૂર્ત કર્યા બાદ બીજી નવેમ્બર ગિરનારના સાધુ-સંતો દ્વારા પ્રતિકાત્મક પરિક્રમા કરવામાં આવશે. આ પ્રતિકાત્મક પરિક્રમામાં માત્ર સાધુ-સંતો જ જોડાશે અને સામાન્ય શ્રદ્ધાળુઓનો આ રૂટ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણ, જૂનાગઢ ગિરનાર વિસ્તારમાં પડેલા કમોસમી વરસાદના કારણે રસ્તાઓ પર કાદવ-કીચડનું સામ્રાજ્ય એટલું વ્યાપક છે કે પગપાળા ચાલવું પણ અત્યંત મુશ્કેલ છે. ​લાખો ભાવિકો પોતાના પરિવાર, બાળકો અને વૃદ્ધો સાથે આ 36 કિમીની કઠિન યાત્રા કરતા હોય છે, પરંતુ રૂટની આ હાલત જોતા તેમની સુરક્ષા જોખમાય તેવી સ્થિતિ હતી. ગિરનાર પરિક્રમા રૂટની હાલની પરિસ્થિતિ અને વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને, તેમ જ પરિક્રમા રૂટમાં થયેલા કાદવ-કીચડના કારણે ભાવિકોની સુવિધા અને સુરક્ષાને ધ્યાને લઈ પરિક્રમા સ્થગિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આપણ વાંચો:  વાહનચાલકોને રાહતઃ ભુજના કોડકી બાયપાસ માર્ગના નિર્માણને સૈદ્ધાંતિક મંજૂરી મળી

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button