ગિરનાર પર હવે રોપ-વે સાથે ‘જળ-વે’! ₹83 કરોડના ખર્ચે હસનાપુર ડેમનું પાણી અંબાજી સુધી પહોંચશે

જૂનાગઢ: પવિત્ર યાત્રાધામ ગિરનાર પર્વત પર હજારો યાત્રાળુઓ દર્શનાર્થે આવે છે. આજે ગિરનારમાં યાત્રાળુઓ માટે ભલે રોપવે જેવી આધુનિક વ્યવસ્થાઓ હોય પરંતુ આજદિન સુધી પાણી જેવી સામાન્ય સુવિધાનો અભાવ હતો. આ મામલે અનેક આજુઆતો બાદ હવે તંત્ર જાગ્યું છે અને હસનાપુર ડેમમાંથી ગિરનાર પર્વત પર પાણી પહોંચાડવાનો નિર્ણય લીધો છે.
ગુજરાત સરકારે યાત્રાધામ ગિરનાર પર્વત પર આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે આગામી સમયમાં આશરે ₹ 83 કરોડના ખર્ચે ગિરનાર પર્વત પર કાયમી પીવાના પાણીની વ્યવસ્થા ઊભી કરવાનો મોટો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે.
આ યોજના હેઠળ, હસનાપુર ડેમમાંથી પાણી પર્વત પર પહોંચાડવામાં આવશે. પાણી પુરવઠા વિભાગ દ્વારા આ વિગતવાર યોજના જાહેર કરવામાં આવી છે, જેનો મુખ્ય હેતુ ગિરનારની યાત્રા કરતા શ્રદ્ધાળુઓની પાણીની મુશ્કેલીને કાયમી ધોરણે દૂર કરવાનો છે.
પાણી પુરવઠા વિભાગના જણાવ્યા મુજબ, ગિરનાર પર્વત પર પીવાના પાણીની કાયમી વ્યવસ્થા માટે હસનાપુર ડેમ મુખ્ય સ્ત્રોત રહેશે. આ પ્રોજેક્ટ અંતર્ગત હસનાપુર ડેમમાં ફ્લોટિંગ પંપ મૂકવામાં આવશે અને તેના દ્વારા દૈનિક 1 MLD પાણી મેળવવામાં આવશે.
આ પાણીને પર્વતની તળેટીમાં કાળકા વડલા પાસે આવેલા ઝીણા બાવાની મઢી નજીક એક ફિલ્ટર પ્લાન્ટ બનાવીને શુદ્ધ કરવામાં આવશે. આ વિશાળ પ્રોજેક્ટમાં રૂ. 83 કરોડનો ખર્ચ પાઇપલાઇન નાખવાના કામ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની સ્થાપના, પ્લોટિંગ પ્લેટફોર્મ ઊભું કરવા અને વન વિભાગ તેમજ PGVCLની મંજૂરી મેળવવામાં થશે.
ફિલ્ટર થયેલું આ 1 MLD પાણી ત્યારબાદ પર્વત પરના મુખ્ય ધાર્મિક સ્થળો સુધી પહોંચાડવામાં આવશે. શુદ્ધ પાણીને સૌપ્રથમ હનુમાન ધારા અને ત્યાંથી અલગ-અલગ પોઇન્ટ મારફતે મા અંબાજી મંદિર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવશે. વધુમાં, અંબાજી મંદિરથી નીચે ઉતરતા પર્વત પરના રસ્તા પર અલગ-અલગ 10 જગ્યાઓ પર પાણીના પોઇન્ટ શરૂ કરવામાં આવશે.
આ દરેક પોઇન્ટ પર પાણીની ટાંકીઓ ભરીને યાત્રાળુઓ માટે તબક્કાવાર રીતે કાયમી ધોરણે પાણીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે, જેથી પર્વત પરની પાણીની સમસ્યાનો અંત આવશે.



