જૂનાગઢ

ભારે પવનને કારણે ગિરનાર રોપ-વે સ્થગિત, સોમનાથના દરિયાકિનારે પ્રવેશ પર પ્રતિબંધ…

જુનાગઢ: હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે જૂનાગઢના ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાવાને કારણે રોપ-વે સેવા બંધ કરવામાં આવી હતી, જ્યારે સોમનાથમાં દરિયામાં ડૂબી જવાના બનાવો અટકાવવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડી સમુદ્રમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો.

મળતી વિગતો અનુસાર જૂનાગઢના ગિરનાર પર્વત પર પવનની ગતિમાં નોંધપાત્ર વધારો થતાં રોપ-વે સંચાલક ઉષા બ્રેકો કંપની દ્વારા મુસાફરોની સલામતીને ધ્યાને લઈને સેવા સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ખાસ કરીને શિખર વિસ્તાર નજીક પવનની તીવ્રતા વધુ હોવાથી રોપ-વેનું સંચાલન જોખમી બન્યું હતું. કંપની જીપીએસ આધારિત મોનિટરિંગ સિસ્ટમ દ્વારા હવામાનની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. સુરક્ષા પ્રોટોકોલ મુજબ, જ્યારે પવનની ઝડપ 40-50 કિમી પ્રતિ કલાકથી વધે છે, ત્યારે રોપ-વે સેવા આપોઆપ બંધ થઈ જાય છે. રોપ વે સેવા બંધ થઈ જવાના કારણે યાત્રાળુઓએ પગથિયાથી પર્વત ચડવાની ફરજ પડી હતી. હવામાન સામાન્ય થયા બાદ રોપ-વે સેવા ફરીથી શરૂ કરવામાં આવશે.

બીજી તરફ, સોમનાથ મંદિર ખાતે આવેલા દરિયામાં તણાઈ જવાના, સ્નાન કરતા ડૂબી જવાના કે અન્ય રીતે માનવ મૃત્યુના બનાવો અટકે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી સમુદ્રના ઊંડા પાણીમાં પ્રવેશ તેમજ સ્નાન કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. જાહેરનામા અનુસાર, હાલમાં સોમનાથ દરિયાકિનારે નવી ચોપાટી બનાવવાનું કામ ચાલી રહ્યું હોય આ કામગીરી અંતર્ગત મોટા પથ્થરો સમુદ્રમાં ઉતારી રસ્તો બનાવવામાં આવ્યો છે. આ પથ્થરો સાથે પાણીનો સતત પ્રવાહ અથડાતો હોવાથી અને શેવાળવાળા પથ્થરોના કારણે વ્યક્તિના લપસી જઈને સમુદ્રમાં ડૂબી જવાની ક્યતા વધી જાય છે. આ જોખમને ધ્યાનમાં રાખીને લોકોની સુરક્ષા માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button