જૂનાગઢ

ગિરનારની ઓઘડનાથજીની ટૂંક પર જૈન ધર્મનો ઝંડો ફરકાવતા ગુનો દાખલઃ સાધુ-સંતો લાલચોળ!

જૂનાગઢઃ મહા શિવરાત્રીને આડે બસ હવે ગણતરીના જ દિવસો બાકી છે તેવા ટાણે જૂનાગઢમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. પવિત્ર ગિરનાર પર્વત પર આવેલી નાથ સંપ્રદાયની ચોથી ટૂંક જે ઓઘડ ટૂંકથી ઓળખાય છે ત્યા જૈન સંપ્રદાયનો ઝંડો ફરકાવવા મામલે વિવાદ સર્જાયો હતો. આ અંગે નાથ સંપ્રદાયના મહંત સોમનાથજી દ્વારા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ફરિયાદમાં જણાવાયું છે કે, ગત 5 ફેબ્રુઆરીના રોજ કેટલાક અજાણ્યા શખ્સોએ ચોરીછૂપે ગિરનારની ચોથી ટૂંક પર જઈ જૈન ધર્મનો ઝંડો લહેરાવી દીધો હતો અને ત્યાં કલરથી પેઇન્ટિંગ કામ પણ કર્યું હતું. આ સમગ્ર ઘટનાના વિડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થતા સાધુ-સંતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

મહંત સોમનાથજીએ પોતાની ફરિયાદમાં ગંભીર આક્ષેપ કર્યો છે કે સફેદ કપડાં પહેરેલા બે અજાણ્યા શખ્સોએ આ કૃત્ય આચર્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર આ ઘટનાના ફોટા અને વિડિયો જોવા મળ્યા હતા, જેમાં ચોથી ટૂંક પર જૈન સંપ્રદાયનો ઝંડો ફરકાવતા જોઈ શકાય છે. આ ઘટનાને પગલે ગિરનાર તળેટીના અગ્રણી સંતો શેરનાથ બાપુ અને મહાદેવગીરી બાપુ સહિતના સાધુ-સંતોએ એકઠાં થઈને વિરોધ નોંધાવ્યો હતો અને પોલીસમાં આવેદનપત્ર પાઠવ્યું હતું.

આ પણ વાંચો…મહાશિવરાત્રી પર ભક્તોને ભેટ: ગિરનાર રોપ-વેની ટિકિટમાં રૂ. 69નો ઘટાડો

આ મુદ્દે ગોરક્ષનાથ આશ્રમના મહંત શેરનાથ બાપુએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. તેમણે કહ્યું હતુ કે, તમારી પાસે બહુ શક્તિ હોય તો પાકિસ્તાનમાં જઈને તમારી ધજા લહેરાવી જુઓ, ત્યાં તમારી શક્તિ બતાવો. અહીં શાંતિપૂર્ણ માહોલમાં હિન્દુ સનાતન ધર્મને ઠેસ પહોંચાડવી અયોગ્ય છે. ઓઘડ શિખર ગોરખ ધુણા સાથે જોડાયેલું છે, ત્યાં જઈને ધજા ફરકાવવી, લખાણો કરવા અને ચિત્રો દોરવા એ અયોગ્યતાની પરાકાષ્ઠા છે. પોતાના અહંકારનું પ્રદર્શન કરવા માટે સનાતન પરંપરામાં અડચણ ઉભી કરવી એ સમજદારી નથી.

નોંધનીય છે કે ગિરનારની ચોથી ટૂંક, જે ઓઘડ ટૂંક તરીકે ઓળખાય છે, ત્યાં ઓઘડનાથજીના ચરણ પાદુકા આવેલા છે અને તે પુરાતત્વ વિભાગના રાજ્ય રક્ષિત સ્મારકની શ્રેણીમાં આવે છે. આ જગ્યા વર્ષ 1950ના મુંબઈ સાર્વજનિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલા ગોરખનાથજીના દલીચા ટ્રસ્ટ હસ્તક હોવાનો દાવો ફરિયાદમાં કરવામાં આવ્યો છે. સાધુ-સંતોનું માનવું છે કે આ પ્રકારના કૃત્ય દ્વારા હિન્દુ અને જૈન સંપ્રદાય વચ્ચે વૈમનસ્ય ઊભું કરવાનો અને જાહેર સુલેહ-શાંતિનો ભંગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો…શિવરાત્રીના મેળા પૂર્વે જ ગિરનારની તળેટીમાં ધિંગાણું: ત્રિશૂળ અને ચીપિયા સાથે અજાણ્યા સાધુઓનો હુમલો…

હાલમાં ભવનાથ પોલીસે મહંતની ફરિયાદના આધારે તપાસનો ધમધમટ શરૂ કર્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા પુરાવાઓ અને ફોટાઓના આધારે ઝંડો ફરકાવનાર શખ્સોની ઓળખ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ સંવેદનશીલ મામલે ગિરનાર ક્ષેત્રમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર સતર્ક બન્યું છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button