ગિરનાર પર્વત પરના તમામ ધાર્મિક સ્થળોની સુરક્ષા માટે સંતોએ લીધો મોટો નિર્ણય, CCTV કેમેરા સજ્જ બનાવાશે...
જૂનાગઢ

ગિરનાર પર્વત પરના તમામ ધાર્મિક સ્થળોની સુરક્ષા માટે સંતોએ લીધો મોટો નિર્ણય, CCTV કેમેરા સજ્જ બનાવાશે…

જૂનાગઢ: ગિરનાર પર્વત પર આવેલા ગોરખનાથ શિખરના મંદિરમાં થયેલી તોડફોડ અને મૂર્તિ ખંડિત કરવાના ગંભીર કેસનો ભેદ ઉકેલવા બદલ આજે ગૌરક્ષનાથ આશ્રમ ખાતે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનો ભવ્ય સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સનાતન ધર્મ અને જૈન ધર્મના અગ્રણી સંતો-મહંતોએ એક મંચ પર આવી ભેદ ઉકેલવામાં કામગીરી કરનાર પોલીસ કર્મીઓનું સન્માન કર્યું હતું.

આ સન્માન સમારોહમાં જૈન સંત નમ્રમુનિજી, ભાઈ મહારાજ, ગૌરક્ષનાથ આશ્રમના મહંત શેરનાથબાપુ, પરબધામના મહંત કરશનદાસબાપુ, હવેલીના પીયૂષબાવાશ્રી સહિતના સંતો ઉપસ્થિત રહ્યા હતા. જૈન સંતોએ આ પ્રસંગે સનાતન અને જૈન સમાજ એક જ હોવાનો ભાવ વ્યક્ત કર્યો હતો, જેને સનાતન ધર્મના સંતોએ હર્ષભેર આવકાર્યો હતો.

સૌથી મહત્વનો નિર્ણય લેતા સંતોએ ભવિષ્યમાં આવી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ગિરનાર પર્વત પરના તમામ ધાર્મિક સ્થળોએ સ્વખર્ચે આધુનિક ટેકનોલોજીથી સજ્જ સીસીટીવી કેમેરા લગાવવાનો સંકલ્પ કર્યો હતો. આ અંગે જૈન સંતોએ તત્કાળ રૂ. ૨૫ લાખનું માતબર યોગદાન જાહેર કર્યું હતું.

ભવનાથ ક્ષેત્ર, સતાધાર, ચાપરડા, પરબ, ધોરાજી સહિતના સનાતન ધર્મના સંતોએ પણ આ ભગીરથ કાર્યમાં યથાયોગ્ય આર્થિક યોગદાન આપવાની જાહેરાત કરી હતી. સર્વસંમતિથી લેવાયેલા આ નિર્ણય મુજબ ગમે તેટલો ખર્ચ થાય, પરંતુ ગિરનારની મુખ્ય સીડી, પાછળની સીડી અને જંગલ સહિતનો સમગ્ર વિસ્તાર સીસીટીવી કેમેરાના કવરેજ હેઠળ લાવવામાં આવશે.

આ પણ વાંચો…ગિરનારના ગુરુ ગોરખનાથ મંદિરની મૂર્તિ ખંડિત કરનાર ‘પૂજારી’ નીકળ્યો: વધુ કમાણી માટે ‘કાંડ’નું રચ્યું હતું ષડયંત્ર

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button