જૂનાગઢમાં નિવૃત્ત આરએફઓેને હનીટ્રેપમાં ફસાવનારી ટોળકી ઝડપાઈ, 40 લાખની માંગી હતી ખંડણી...
જૂનાગઢ

જૂનાગઢમાં નિવૃત્ત આરએફઓેને હનીટ્રેપમાં ફસાવનારી ટોળકી ઝડપાઈ, 40 લાખની માંગી હતી ખંડણી…

જૂનાગઢઃ એક નિવૃત્ત રેન્જ ફોરેસ્ટ ઓફિસર (આરએફઓ) હનીટ્રેપનો ભોગ બન્યા હતા. સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં આવેલી એક અજાણી યુવતીએ નિવૃત્ત અધિકારી સાથે આત્મીયતા કેળવી રાજકોટ અને ચોટીલાની હોટલોમાં અંગત પળો માણી હતી, જેનો વીડિયો બનાવીને બાદમાં 40 લાખ રૂપિયાની ખંડણી માટે બ્લેકમેલ કરવામાં આવતા હતા. નિવૃત્ત અધિકારીની ફરિયાદના આધારે પોલીસે યુવતી સહિત તેના ત્રણ મળતિયાઓને ઝડપી પાડ્યા હતા.

શું છે મામલો*

જૂનાગઢના ચોબારી રોડ પર રહેતા નિવૃત્ત આરએફઓ પરસોત્તમ કનેરિયા એક વર્ષ પહેલાં સોશિયલ મીડિયા પર ઉમલા નામની યુવતીએ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. ત્યારબાદ નિયમિત ચેટિંગ થતાં યુવતીએ એકલતાનું નાટક કરીને નિવૃત્ત અધિકારી સાથે મિત્રતા કેળવી હતી. પાંચ મહિના પૂર્વે બંને રાજકોટની એક હોટલમાં મળ્યા હતા અને અંગત પળો માણી હતી. 19મી સપ્ટેમ્બર 2025ના રોજ તેઓ ચોટીલાની હોટલમાં રોકાયા હતા, જ્યાં ઉમલાના આઈડી પર રૂમ બુક કરીને બે વખત શરીર સુખ માણ્યું હતું.

આરએફઓને અજાણ્યા નંબર પરથી આવ્યો ફોન

જૂન 2025માં યુવતીએ નિવૃત્ત આરએફઓને પોતે પ્રેગ્નન્ટ હોવાનું જણાવી એબોર્શન કરાવવા માટે ઓનલાઈન અવારનવાર પૈસા મેળવ્યા હતા. ત્યારબાદ ફરીથી ગર્ભવતી હોવાનું કહીને પૈસા પડાવ્યા હતા. ચોટીલાની મુલાકાત બાદ 25મી સપ્ટેમ્બરના રોજ આરએફઓને એક અજાણ્યા નંબર પરથી ઓડિયો કોલ આવ્યો હતો. કોલ કરનારે ચોટીલાની હોટલના અંગત પળોનો વીડિયો તેની પાસે હોવાનું જણાવી 40 લાખ રૂપિયાની માંગણી કરી હતી.

વીડિયોની પુષ્ટિ કરવા માટે પુરાવા રૂપે વીડિયો મોકલવામાં આવ્યો હતો. જ્યારે અધિકારીએ યુવતીને પૂછ્યું, ત્યારે તેણે કબૂલ્યું કે તેણે પોતે ફોનમાં વીડિયો ઉતાર્યો હતો અને તેની બહેનપણીને આપ્યો હતો. બ્લેકમેલ કરનારાઓએ એવી ધમકી આપી હતી કે જો રૂપિયા નહીં મળે તો વીડિયો તમામ સંબંધીઓને વાયરલ કરી દેશે. આ ઉપરાંત નિવૃત્ત ઓફિસર થઈને નાની છોકરીઓ સાથે મિત્રતા કેળવી શરીર સંબંધ બાંધી પ્રેગ્નન્ટ કરી રૂપિયા આપીને છોકરા પડાવતા હોવાની ખોટી ફરિયાદ કરીને બદનામ કરી દેવાની પણ ધમકી આપી હતી.

પોલીસ ફરિયાદ નોંધાવીને આરોપી ઝડપાયા

આ ધમકીઓ અને બ્લેકમેલથી કંટાળીને નિવૃત્ત આરએફઓ પરસોત્તમ કનેરિયાએ યુવતી અને તેના મળતિયાઓ સામે જૂનાગઢના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધીને તત્કાળ કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસમાં જૂનાગઢ પોલીસે રાજકોટની ઉર્મિલા, સબુસ્તા અને જીસાન નામના ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા. હાલમાં પોલીસ આ આરોપીઓએ અન્ય કોઈ વ્યક્તિને હનીટ્રેપનો શિકાર બનાવ્યા છે કે કેમ, તે દિશામાં પણ વધુ તપાસ ચલાવી રહી છે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button