જૂનાગઢના તબીબ દંપતી સાથે કોન્ટ્રાક્ટ અને સરકારી નોકરીના નામે 50 લાખની છેતરપિંડી

જૂનાગઢ: એક તબીબ અને તેમના પત્નીને અમદાવાદના એક દંપતીએ ધારાસભ્યનો પીએ હોવાની ખોટી ઓળખ આપીને કોન્ટ્રાક્ટ તેમજ સચિવાલયમાં નોકરી આપવાની લાલચ આપીને 50 લાખની છેતરપિંડી આચરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
મળતી વિગતો અનુસાર જૂનાગઢમાં જોષીપરામાં દાંતની હોસ્પિટલ ચલાવતા ડૉ. રાજેશભાઈ ભાખર અને તેના પત્નીને મૂળ આકોલવાડી અને અમદાવાદમાં રહેતા રવિ ઉર્ફે રોહિત હરિભાઈ ચોવટીયા તથા તેના પત્ની પ્રજ્ઞાબેન સાથે મુલાકાત થઈ હતી. આ દરમિયાન રવિએ પોતે ધારાસભ્યનો પીએ હોવાનું જણાવ્યું હતું. તેમજ રાજેશભાઈને દિલ્હી હાઇવે કોરિડોરના ડિવાઈડરનો ઝાડ ઉછેર કોન્ટ્રાક્ટ આપવાનું કહ્યું હતું.
તે સિવાય ફરિયાદીના પત્ની શિલ્પાબેનને ગાંધીનગર સચિવાલયમાં ક્લાર્ક તરીકે નોકરી આપવાની લાલચ આપીને વિશ્વાસ કેળવ્યો હતો. આ માટે આરોપીએ આ દંપતી પાસેથી તા.૨ ઓક્ટોબર ૨૦૨૩થી ૩૦ જૂન ૨૦૨૪ નવ મહિનાના સમયગાળા દરમિયાન ઓનલાઇન, રોકડ તથા આંગડિયા મારફત કટકે કટકે રૂ. ૫૦.૦૮ લાખ મેળવ્યા હતા. તેમજ બાદમાં શિલ્પાબેનને સચિવાલયમાં નોકરી મળી ગઈ હોવાનું જણાવી ત્રણ માસ સુધી પગારના રૂ.૭૩,૫૦૦ આપ્યા હતા. જો કે હકીકતે નોકરી મળી નહોતી. અંતે દંપતીની પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ૪૯.૩૪ લાખની છેતરપિંડી કર્યા અંગે ફરિયાદ નોંધાવી હતી
આ પણ વાંચો…સેબીને નામે સોશિયલ મીડિયા પર છેતરપિંડીના પ્રયાસ!.