જૂનાગઢ જિલ્લાના ધંધુસરની દીકરીની અદ્ભુત સિદ્ધિ: 53 સેકન્ડમાં વિશ્વના દેશોના નામ બોલી ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવ્યું…

જૂનાગઢઃ જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ધંધુસર ગામની ચાર વર્ષની બાળકી સમીરા મુળીયાસિયાએ અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. તેણે માત્ર 53 સેકન્ડમાં એ-ટુ-ઝેડ ક્રમમાં વિશ્વના દેશોના નામ બોલીને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું.
બે વર્ષની ઉંમરથી જ બોલતી હતી હનુમાન ચાલીસા

મિલનભાઈ અને મનીષાબેન મુળીયાસિયાની પુત્રી સમીરા આંગણવાડીમાં નિયમિત જાય છે. તેની માતા મનીષાબેને તેની પ્રતિભાને ઓળખી અને તેને સામાન્ય જ્ઞાન આપવાનું શરૂ કર્યું. સમીરા બે વર્ષની ઉંમરથી જ દાદીમા પાસેથી હનુમાન ચાલીસા અને ગાયત્રી મંત્ર શીખી ગઈ હતી.
આટલી ભાષા બોલી શકે છે
સમીરા ગુજરાતી ઉપરાંત હિન્દી, અંગ્રેજી અને પોર્ટુગીઝ ભાષા પણ બોલી શકે છે. તેને સૌરમંડળ, બ્લેક હોલ અને ડાયનોસોર જેવી વૈજ્ઞાનિક માહિતીનું પણ જ્ઞાન છે. તેના દાદા-દાદી અને પિતાએ સંસ્કારનું સિંચન કર્યું છે, જ્યારે માતાએ જ્ઞાનનું સિંચન કર્યું છે.
સમીરાના પિતા મિલનભાઈએ જણાવ્યું હતું કે, તેમની દીકરીએ નાની ઉંમરે મેળવેલી આ સિદ્ધિથી પરિવાર, ગામ અને જ્ઞાતિને ગર્વ છે. સમીરા નાનપણથી જ જિજ્ઞાસુ સ્વભાવની છે. તે રોજ સવારે યોગા કરે છે અને સંસ્કૃત શ્લોકો પણ સરળતાથી બોલી શકે છે. સમીરાની આ સિદ્ધિ માટે તેના માતા-પિતાએ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં વિડિયો મોકલ્યો હતો. ખરાઈની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેને આ માન્યતા મળી છે.
આપણ વાંચો : જૂનાગઢને મળ્યા નવા મેયરઃ મેયર સાથે પદાધિકારીઓના નામ પણ જાણી લો!