પિતાની સંપત્તિ હડપવા નાના ભાઈએ બનાવ્યા ખોટા દસ્તાવેજ: મોટા ભાઈની આત્મવિલોપનની ચીમકી બાદ પોલીસ કાર્યવાહી

માણાવદર: જમીન અને સંપતિના વિવાદમાં અનેક ગુનાહિત કૃત્યો આચરી દીધાના અનેક બનાવો પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે, ત્યારે આવો વધુ એક કિસ્સો જૂનાગઢ માણાવદરથી સામે આવ્યો છે, જેમાં પોતાના નાના ભાઈએ મિલકતને હડપી લેવા માટે ખોટા દસ્તાવેજ બનાવવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
મળતી વિગતો અનુસાર માણાવદરના ગૌતમનગર વિસ્તારમાં રહેતા ગુણવંતભાઈ મિયાત્રાએ તેમના નાના ભાઈ નરેન્દ્રભાઈ, તેની પત્ની રેખાબેન અને બે અન્ય વ્યક્તિઓ પર પિતાની મિલકત હડપવા માટે ખોટા દસ્તાવેજ બનાવ્યા હોવાના ગંભીર આક્ષેપો મૂકીને પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આપણ વાંચો: ફાઈનાન્સના ફંડાઃ વસિયતનામું એક એવો દસ્તાવેજ, જે મિલકતને કજિયાનું છોરું બનતા અટકાવે છે…
ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે પિતાને મીતડી ગામે સરકારી યોજના હેઠળ 100 ચોરસ યાર્ડનો પ્લોટ અને મકાન મળ્યા હતા, તે ઉપરાંત અન્ય બે મકાન અને મિલકત પણ હતી.
પોલીસમાં નોંધાવવામાં આવેલી ફરિયાદ અનુસાર ફરિયાદીના નાના ભાઈ, તેના પત્ની અને આની બે વ્યક્તિઓએ મળીને ખોટા દસ્તાવેજો બનાવીને મિલકત હડપી લેવાનું કાવતરું રચ્યું હતું.
આરોપીએ વર્ષ 2004માં તેઓએ દબાણ હેઠળ રૂ. 50ના સ્ટેમ્પ પેપરે ખોટું વિલ બનાવ્યું હતું. તે ઉપરાંત, વિલમાં પિતા તેમની સાથે ન રહેતા હોવા છતા તેવી વિગતો દર્શાવવામાં આવી હતી. ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે આ ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કરી કોર્ટ અને સરકારી વિભાગોમાં છેતરપિંડી કરી પિતાની મિલકત હડપવાનો પ્રયાસ કર્યો હતો.
ફરિયાદીએ આક્ષેપ કર્યો હતો કે આ મુદ્દે પોલીસમાં ફરિયાદ નોંધાવી હોવા છતા પોલીસે કોઈ નક્કર પગલાં લીધા નહોતા, આથી કંટાળી જઈને ફરિયાદીએ આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી હતી અને ત્યાર બાદ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.