સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયાએ જવાહર ચાવડા સામે લગાવ્યો ભ્રષ્ટાચારનો આરોપ, જાણો વિગત | મુંબઈ સમાચાર
જૂનાગઢ

સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયાએ જવાહર ચાવડા સામે લગાવ્યો ભ્રષ્ટાચારનો આરોપ, જાણો વિગત

જૂનાગઢઃ સૌરાષ્ટ્રના રાજકારણમાં ભર ચોમાસે ગરમાવો આવ્યો હતો. સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયાએ જવાહર ચાવડા સામે ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. ખટારિયાના આરોપ મુજબ, પૂર્વ પ્રધાને મળતિયાઓ પાસેથી 25-25 લાખ લઈ જૂનાગઢ ડિસ્ટ્રીક્ટ બેંકમાં ભરતીનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પાટીલને કહી મેં ઓર્ડર અટકાવ્યા હતા.

દિનેશ ખટારીયાએએ જણાવ્યું કે, 1988-89માં માણાવદરમાં માર્કેટિંગ યાર્ડની સ્થાપના થઈ ત્યારથી 2021-22 સુધી જવાહર ચાવડા તેના ચેરમેન રહ્યા હતા. આ 35 વર્ષના સમયગાળામાં ખેડૂતો પાસેથી સેસ પેટે ₹ 50 કરોડથી વધુની માતબર રકમ ઉઘરાવવામાં આવી હતી, જેના મારી પાસે વર્ષવાર આંકડા છે. તેમણે આરોપ લગાવ્યો કે, 1990માં જ્યાં ₹ 5000માં એક વીઘા જમીન મળતી હતી, તે સમયથી માંડી અત્યાર સુધી ₹ 50 કરોડનું કાગળ પર કામ કરી નાખવામાં આવ્યું હતું. કાગળ સિવાયના પણ કરોડો રૂપિયાના વ્યવહારો થયા હતા. આ ઉપરાંત તેમણે કહ્યું, જવાહર ચાવડાએ સત્તાનો દુરુપયોગ કરીને માર્કેટિંગ યાર્ડના ભોગે પોતાના અંગત કામ માટે કર્મચારીઓનો દુરુપયોગ કર્યો હતો.

ખટારિયા ઉપરાંત અરવિંદ લાડાણીએ આક્ષેપ કરી કહ્યું કે, જવાહર ચાવડા યાર્ડમાં શાસન દરમિયાન કોઈને રોજગારી અપાવી શક્યા નથી તે હવે રોજગારી સહાયતા અભિયાનની વાત કરી રહ્યા છે. ખટારિયાએ કહ્યું કે, જવાહર ચાવડાની માનસિકતા એવી છે કે, સમાજનો હોય કે પાર્ટીનો કાર્યકર્તા હોય મોટો થાય એટલે તેને ડામી દેવાનું. આ ભાજપમાં ન કરી શક્યા એટલે પેટમાં તેલ રેડાયું છે અને નીકળી પડ્યા છે.

આ પણ વાંચો…સૌરાષ્ટ્રમાં જવાહર ચાવડા વર્સીસ ભાજપના નેતાઓનો જંગ શરૂ, જવાહર સામે ભ્રષ્ટાચારના આક્ષેપો, જુઓ વીડિયો…

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button